ગુજરાત સ્થાપના દિવસથી નવી જંત્રીનો અમલ?
પાંચ દિવસ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી બંધ, ગરવી સર્વરમાં નવી જંત્રીનો ડેટા અપલોડ કરાશે
બાકી વાંધા - સુચનોનો તાત્કાલિક નિકાલ કરવા મહેસુલ વિભાગને સુચના
ગુજરાતમાં રાજય સરકાર દ્વારા આગામી તા.1 મે ગુજરાત સ્થાપના દિવસથી નવી જંત્રીનો અમલ કરવા રાજય સરકારે તૈયાી શરૂ કરી હોવાનું જાણવા મળે છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ નવા જંત્રી દરો સામે લોકોમાંથી આવેલા જે વાંધા-સુચનોના નિકાલની કામગીરી બાકી છે તે તાત્કાલીક પુર્ણ કરવા સરકાર દ્વારા સુચના આપવામાં આવી છે. આ ઉપરાંત સરકારના ગરવી સર્વરમાં નવા જંત્રીદરોનો ડેટા અપલોડ કરવા માટે પાંચ દિવસ ‘ગરવી’ સર્વર પણ આજથી બંધ કરવામાં આવ્યું છે.
નવા જંત્રીદરો સામે વાંધા- સુચનો માંગવામાં આવ્યા બાદ ઉતાવળે નવા જંત્રીદરોનો અમલ કરવાના બદલે રાજય સરકાર દ્વારા હજુ પણ વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવવામાં આવી રહી છે. આ ઉપરાંત જંત્રીદરોમાં વધાો કરતા પૂર્વે મહેસુલી પરિપત્રો કરીને નગરપાલિકા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રિમિયમમાં રાહતો આપી દેવામાં આવી છે. હવે આગામી તા.1 મેના રોજ ગુજરાત સ્થાપના દિવસથી નવી જંત્રીના અમલ માટે સરકારે તૈયારી શરૂ કરી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.
દરમિયાન સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પની સુચનાથી પાંચ દિવસ સુધી ’ગરવી’ સર્વર બંધ રહેશે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં તાત્કાલિક મેપિંગ કર્યા સિવાય કચેરી ન છોડવા સબ રજીસ્ટ્રારોને આદેશ કરાયો છે તે જોતાં એવી ચર્ચાએ જોર પકડયુ છેકે, ટુંક જ સમયમાં નવા જંત્રી દર અમલમાં આવી શકે છે.
દસ્તાવેજોની નોંધણી, મેપિંગ, મુલ્યાંકન વગેરે જેવી મહત્ત્વની કામગીરી ગરવી સર્વર ઉપર થાય છે. રાજ્ય સરકારે જંત્રીનો મુસદ્દો તૈયાર કર્યો છે તે જોતાં જંત્રીદર વધે તેવી શક્યતા છે. આ મામલે વાંધાસૂચનો પણ રજૂ થયાં છે. સૂત્રોના મતે, મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત શહેરી વિસ્તારોમાં મેપીંગમાં અસંખ્ય ભૂલો પ્રવર્તી રહી છે. અમુક વિસ્તારો તો ગરવી સર્વરમાં દેખાતાં જ નથી. કેટલાંય ગ્રામ્ય વિસ્તારોનો સર્વે થયો નથી. આવી ઘણી વિસંગતતાઓ જોવા મળી રહી છે. તે સુધારવા તાકીદ કરી દેવામા આવી છે. એવુ ય જાણવા મળ્યુ છેકે, રાજ્યના તમામ સબ રજીસ્ટ્રારોને મેપિંગની કામગીરી પૂર્ણ કર્યા વિના મોડી રાત સુધી કચેરી ન છોડવા ગાંધીનગરથી આદેશ છૂટ્યો છે.
આ ઉપરાંત તા.10થી માંડીને તા.14 એપ્રિલ સુધી ગરવી સર્વર બંધ રહેશે. સરકારની સૂચનાથી તા. 11મીએ પણ સર્વર બંધ હોવાના કારણે રાજ્યભરમાં દસ્તાવેજ નોંધણી કામગીરી ઠપ રહેશે. દસ્તાવેજો નોંધણી કામગીરી બંધ રહેતાં સરકારને એક જ દિવસમાં લાખો રૂૂપિયાની આવક ગુમાવવી પડશે. પાંચેક દિવસ ગરવી સર્વર બંધ રહેતાં એવી ચર્ચાએ જોર પકડયું છેકે, નવા જંત્રી દર ઓનલાઈન અપલોડ થઈ રહ્યાં છે. સૂત્રોનું કહેવુ છેકે, સરકાર કોઈપણ ભોગે નવા જંત્રીદર લાગુ કરવાના મતમાં છે.
રૂડા સહિતના સત્તા મંડળોની હદ વધારવા પણ તૈયારી
ગુજરાતમાં આગામી તા.1મે ગુજરાત સ્થાપના દિવસથી નવા જંત્રી દરોના અમલની તૈયારી વચ્ચે રાજકોટ શહેરી વિકાસ સતામંડળ (રૂડા) સહિત કેટલીક અર્બન ડેપલોપમેન્ટ ઓથો રિટીઓની હદ વધારવાની પણ તૈયારી શરૂ કરવામાં આવી હોવાનું સરકારના અધારભૂત સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
મળતી માહિતી મુજબ તાજેતરમાં રાજ્ય સરકારે મહાનગર અને સતામંડળો સિવાયના નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારોમાં નવી-જૂની શરતના પ્રિમિયમ સંપૂર્ણ નાબુદ કરી દીધા બાદ હવે સતામંડળોની હદ વધારી ગામડાઓ ભેળવવા તૈયારી શરૂ કરવામાં આવી છે. ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થાય તે પહેલા આ નિર્ણય લેવાઇ શકે છે.