બજાર ભાવો કરતા નવા જંત્રી દર હજુ નીચા: વેલ્યુઅર્સનો રિપોર્ટ
સૂચિત નવા જંત્રી દરો બજારભાવો કરતા 23થી 46 ટકા નીચા હોવાનો ઇન્સ્ટિટયૂટ ઓફ વેલ્યુઅર્સ અને ધ વેલ્યુઅર્સ લીગનો દાવો, શહેરના 97 મુખ્ય પ્રોજેકટના સરવે કર્યા બાદ કલેકટરને સુચન
જંત્રીના દર તબક્કાવાર વધારી બજારભાવ કરતા 90 ટકા સુધી કરવા અને સ્ટેમ્પ ડયૂટી-પેઇડ FSIના ભાવ ઘટાડવા પણ રજૂઆત
કોમર્સિયલ પ્રોપર્ટીમાં રોડફ્રન્ટનું ફેકટર ધ્યાને લેવું જરૂરી, દુકાન અને ઓફિસ વચ્ચે જંત્રીના તફાવત દુર કરવા પણ રજૂઆત
ગુજરાતમાં જંત્રીદર વધારાના જાહેરનામા સામે વાંધા-સુચનો રજુ કરવાની મુદત પુરી થઇ ગઇ છે અને સરકાર સમક્ષ 11 હજારથી વધુ વાંધા-સુચનો આવ્યા છે ત્યારે મિલકતોના વેલ્યુએશન નકકી કરતા વેલ્યુઅર્સની બે સંસ્થાઓએ રાજકોટ શહેર અને જિલ્લામાં નવી જંત્રીના સુચિત દરો પણ બજાર ભાવ કરતા 23 ટકાથી માંડી 46 ટકા સુધી નીચા હોવાની રાજકોટ જિલ્લા કલેકટર સમક્ષ રજુઆત કરી સમતોલ વિકાસ માટે તબક્કાવાર જંત્રીમાં વધારો કરીને જંત્રીના દરો બજારભાવના 90 ટકા સુધી લઇ જવા સુચન કર્યું છે.
ઇન્સ્ટિટયુટ ઓફ વેલ્યુઅર્સ અને ધ વેલ્યુઅર્સ લીગ દ્વારા શહેર-જિલ્લામાં ચાલતા 97 જેટલા પ્રોજેકટસના બજારભાવનો સરવે કરાયા બાદ આવી સાઇટોના સર્વે નંબર અને લોકેશન સાથે કલેકટર સમક્ષ વાંધા-સુચનો રજુ કરવામાં આવ્યા છે.
આ બન્ને સંસ્થાઓએ સુચિત જંત્રી દરો સામે વર્તમાન બજારભાવોની સરખામણીનો તલસ્પર્શી રિપોર્ટ તૈયાર કર્યો છે. જે મુજબ નવા સુચિત જંત્રીદરો પણ બજારભાવ કરતા ઘણા નીચા હોવાથી જંત્રીદરોમાં હજુ પણ વધારો કરવા સુચન કરાયું છે.
ઇન્સ્ટિટયુટ ઓફ વેલ્યુઅર્સ અને ધ વેલ્યુઅર્સ લીગે સરવે બાદ દાવો કર્યો છે કે, જમીનના નવા સુચિત જંત્રી દરો બજારભાવ કરતા 46 ટકા સુધી નીચા છે.
જયારે ફલેટના નવા સુચિત જંત્રીદરો બજારભાવ કરતા 41 ટકા નીચા છે તેજ રીતે ઓફિસના જંત્રીદર 41 ટકા, દુકાનના 23 ટકા અને ઔદ્યોગીક વિસ્તારના જંત્રીદરો બજારભાવ કરતા 35 ટકા નીચા હોવાનું જણાવાયું છે.
બન્ને સંસ્થા દ્વારા જંત્રીદરો વાસ્તવીક બનાવવા માટે બજારભાવના 90 ટકા સુધી જંત્રીદરો રાખવા સુચન કરાયું છે. જો કકે, દસ વર્ષ બાદ જંત્રીદરોમાં એક સાથે તોતીંગ વધારો કરવાના બદલે તબક્કાવાર ધીરેધીરે જંત્રીદરો વધારવા પણ સુચન કરવામાં આવ્યું છે.
બન્ને સંસ્થાઓના હોદેદારોનો તર્ક છે કે, જયાં જંત્રીના દર બજારભાવથી નજીક છે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રકચરમાં પણ વધારો નોંધાયો છે. આ માટે તેઓ દક્ષિણ ભારતના બેંગલોર સહીતના શહેરોનું ઉદાહરણ આપી રહ્યા છે.
આ સિવાય ડેવલોપમેન્ટ પ્રોજેકટ માટે સ્ટેમ્પ ડયુટીના દરો તેમજ પેઇડ એફએસઆઇના દરોમાં પણ ઘટાડો કરવા રજુઆત કરાઇ છે. સાથોસાથ જંત્રીે રિવિઝન માટે દરેક શહેર-જિલ્લા સહીતના વિવિધ સ્તરે બનાવવામાં આવેલી કમિટિઓમાં વેલ્યુઅર્સ જવા નિષ્ણાતોનો સમાવેશ કરરવા માંગણી કરવામાં આવી છે.
કોમર્શિયલ પ્રોપર્ટીમાં ગ્રાઉન્ડ ફલોરમાં બજારભાવના 100 ટકા, પહેલા માળે 70 ટકા, બીજા માળે 65 ટકા અને ત્રીજા માળ તથા ઉપરના માળે નીચામાં નીચા જે બજાર ભાવ હોય તેના 50 ટકા જંત્રીદરો રાખવા સુચન કરવાામં આવેલ છે.
જંત્રી રિવિઝન કમિટીઓમાં વેલ્યુઅર્સનો સમાવેશ કરો
રાજય સરકાર દ્વારા જંત્રીના દરોમાં ફેરફાર કરવા માટે શહેર-જિલ્લા કક્ષાએ કમિટીઓની રચના કરવામાં આવી છે. પરંતુ તમામ કમિટિઓમાં અધિકારીઓનો જ સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે કમીટીમાં સરકાર માન્ય વેલ્યુઅર્સ જેવા નિષ્ણાંતોનો પણ સમાવેશ કરવા માંગણી કરવામાં આવી છે.
13 વર્ષ બાદ એક સાથે જંત્રી દર વધારવાથી ગૂંચ સર્જાઇ
ઇન્સ્ટિટયુટ ઓફ વેલ્યુઅર્સના નિષ્ણાતોનુ કહેવુ છે કે, વર્ષ ર011 મા જંત્રી દરો વધ્યા બાદ સીધા ર0ર4 મા એક સાથે જંત્રી દરોમા તોતીંગ વધારો જાહેર કરવાથી વિરોધ તો થઇ રહયો છે સાથો સાથ ગુંચ પણ સર્જાઇ રહી છે. સરકાર તબકકાવાર દર એક, બે કે ત્રણ વર્ષે થોડો થોડો જંત્રી દર વધારે તો કોઇ સમસ્યા રહે નહીં.
રાજકોટ શહેર-જિલ્લામાં 910 વાંધા - સુચનો આવ્યા
રાજકોટ શહેર - જિલ્લામા નવા સુચિત જંત્રી દરો સામે કુલ 910 જેટલા વાંધા - સુચના રજુ થયા છે શહેર - જિલ્લામા કુલ 49ર ઓફ લાઇન અને 418 ઓનલાઇન વાંધા - સુચનો થયા છે. ઓફલાઇન રજુ થયેલા વાંધા - સુચનોની ડેટા એન્ટ્રી હજુ ચાલુ હોવાનુ જણાવાયુ છે.
