For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વડોદરા ભાજપમાં નવો વિવાદ, નવનિર્મિત કાર્યાલયની તક્તી 24 કલાકમાં હટાવાઇ

04:24 PM Dec 25, 2024 IST | Bhumika
વડોદરા ભાજપમાં નવો વિવાદ  નવનિર્મિત કાર્યાલયની તક્તી 24 કલાકમાં હટાવાઇ

વડોદરામાં ભાજપના નવા કાર્યાલયની તકતીમાં મહત્વપૂર્ણ નેતાઓના નામ ન હોવાથી વિવાદ ઉભો થયો. સાંસદ, મેયર, ધારાસભ્યોના નામની બાદબાકીથી નારાજગીના સૂર ઉઠ્યા બાદ પ્રદેશ પ્રમુખની સૂચના બાદ 24 કલાકમાં તકતી દૂર કરવામાં આવી. આ ઉપરાંત, વાસ્તુ પૂજનમાં કોર્પોરેટરોને બોલાવવામાં ન આવ્યા હોવાનો પણ વિવાદ છે. આ ઘટનાએ બાદ વડોદરા ભાજપમાં વિખવાદ હોવાનું ફરી એકવાર સામે આવ્યુ છે.

Advertisement

શહેરમાં ભાજપના નવા નિર્માણાધીન કાર્યાલયની તકતીનું કેબિનેટ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. જોકે આ તકતીમાં સીઆર પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ સિવાય સાંસદ, મેયર, ધારાસભ્યો અને પ્રભારીનાં નામનો ઉલ્લેખ ન હોવાથી વિવાદ સર્જાયો હતો. વિવાદ વધતાં અંતે 24 કલાકમાં જ આ તકતીને ત્યાંથી હટાવી લેવાઈ છે. આધારભૂત સૂત્રો મુજબ પ્રદેશના નેતાઓની નારાજગીના કારણે અને પ્રદેશ પ્રમુખની સૂચનાના પગલે તકતી બદલવાનું નક્કી કરાયું હોવાનું જાણવા મળ્યું છે.

કારેલીબાગમાં બનતા ભાજપ કાર્યાલયની તકતી અનાવરણના કાર્યક્રમ પૂર્વે તાત્કાલિક ધોરણે શહેર સંગઠનની ટીમે વાસ્તુપૂજનનો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં પાલિકાના માત્ર 5 પદાધિકારી, 5 ધારાસભ્યો તથા માનીતાઓને જ આમંત્રણ અપાતાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ કાર્યક્રમથી પ્રજાના પ્રતિનિધિ એવા 69 કોર્પોરેટરો પણ અજાણ હોવાનું ખૂલ્યું છે.

Advertisement

દેશનું પ્રથમ ભાજપ કાર્યાલય એવું હશે જ્યાં આગળ ખાતમુહૂર્ત ઉદ્ઘાટન સિવાય અલગથી તક્તિ અનાવરણનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો. જોર શોરથી કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો પરંતુ કાર્યક્રમ પૂર્ણ થયાના 24 જ કલાકમાં જે તક્તિનું અનાવરણ મંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું, તે તક્તિ ઉતારવાની ફરજ પડી. છેલ્લા ઘણા સમયથી વડોદરા શહેર ભાજપમાં વિખવાદ હોવાનું સામે આવ્યું છે ત્યારે આ તકતી હટાવ્યા બાદ આ વિવાદને વધુ જોરથી વેગ મળ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement