સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા નવો દાવ, 17 તાલુકાઓની રચનાને સૈધ્ધાંતિક મંજૂરી
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વહીવટી માળખાને વધુ સુદૃઢ અને લોકાભિમુખ બનાવવા માટે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આજે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના 33 જિલ્લાઓમાં 17 જેટલા નવા તાલુકાઓની રચનાને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
આ નિર્ણયને કારણે સ્થાનિક કક્ષાએ શાસન વધુ સરળ અને નાગરિકોની નજીક પહોંચશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નવા તાલુકાઓ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા અસ્તિત્વમાં આવી શકે છે, જેના કારણે ચૂંટણી પ્રક્રિયા અને વહીવટી તંત્ર બંનેમાં સકારાત્મક ફેરફારો જોવા મળશે.
વહીવટી કાર્યક્ષમતા વધારવા, નાગરિકોને સરકારી સેવાઓનો લાભ સરળતાથી મળે તે સુનિશ્ચિત કરવા અને ગ્રામીણ વિસ્તારોના વિકાસને વેગ આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં હાલના તાલુકાઓનો વિસ્તાર ઘણો મોટો છે, જેના કારણે અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકોને સરકારી કચેરીઓ સુધી પહોંચવામાં મુશ્કેલી પડતી હતી. નવા તાલુકાઓ બનવાથી વહીવટી કેન્દ્રો નાગરિકોની વધુ નજીક આવશે, જેનાથી મહેસૂલ, પંચાયત, અને અન્ય સરકારી કામો સરળતાથી પૂર્ણ થઈ શકશે.
આ નિર્ણયનો રાજકીય સંદર્ભ પણ મહત્વનો છે. આગામી સમયમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે. તે પહેલા નવા તાલુકાઓની રચના થવાથી નવા વહીવટી વિસ્તારોનું સીમાંકન થશે, જે ચૂંટણીની રણનીતિ પર પણ અસર કરી શકે છે. નવા તાલુકાઓ બનવાથી સત્તાનું વિકેન્દ્રીકરણ થશે, જેનાથી સ્થાનિક નેતૃત્વને વધુ જવાબદારી અને તકો મળશે. આ નિર્ણયને સરકાર દ્વારા ગ્રામીણ અને તાલુકા સ્તરના વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા તરીકે પણ જોવામાં આવી રહ્યો છે.
કેબિનેટની સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા બાદ હવે આ નવા તાલુકાઓની રચના માટે એક વિસ્તૃત પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સૌ પ્રથમ, સંબંધિત જિલ્લા કલેક્ટરો દ્વારા નવા તાલુકાઓના સીમાંકન અને ગામોની યાદી તૈયાર કરવામાં આવશે. આ પ્રક્રિયા બાદ, એક વિગતવાર અહેવાલ સરકારને સુપરત કરવામાં આવશે. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા કાયદાકીય પ્રક્રિયા પૂરી કરીને ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે, જેનાથી આ નવા તાલુકાઓ સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવશે.
નવા સુચીત તાલુકા
ગોધર, કોઠંબા, ચીકાદા, નાના પોંઢા, રાહ, ધરણીધર, ઓગડ, હડાદ, ગોવિંદ ગુરુ લીમડી, સુખસર, કદાવાલ, ફાગવેલ, શામળાજી, સાઠંબા, ઉકાઈ, અરેઠ અને અંબીકા