સમાજના કામમાં ક્યારેય રાજકારણ વચ્ચે નહીં લાવું : જયેશ રાદડિયા
ટાંટિયાખેંચની પ્રવૃત્તિ બંધ કરવા અને મજબૂત નેતાઓને ટેકો આપવા સમાજને અપીલ
સમુહ લગ્નમાં વિશાળ સમિયાણામાં દાતાઓના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ સન્માન સમારોહમાં લાડકડીના સમુહ લગ્નોત્સવના આયોજક જયેશ રાદડિયાએ ભારે લાગણીસભર સ્વરે દાતાઓ તેમજ કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે, મારા પિતાશ્રી સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાએ જામ કંડોરણામાં શરૂ કરેલી સમાજસેવાની પ્રવૃતિને આગળ ધપાવવા હું અને મારા સાથી મિત્રો સંકલ્પબ્ધ છીએ. સમાજ સેવામાં અમે ક્યારેય પાછીપાની કરી નથી અને ભવિષ્યમાં કરશું પણ નહીં. સમાજ સેવામાં વચ્ચે રાજકારણ લાવતા નથી. રાદડિયાએ ભારે આક્રોશભેર જણાવ્યું હતું કે સમાજનો મોટો સમુહ જાત મહેનતથી સુખી સંપન્ન થયો છે. પરંતુ સમાજમાંથી હજુ ટાંટિયાખેંચ દૂર થઈ નથી. એક નેતા મજબુત બને કે તુરત જ ટાંટિયા ખેંચી તેને પછાડવાની પ્રવૃતિ શરૂ થઈ જાય છે. મારી સમાજના દરેક લોકોને અપીલ છે કે, સમાજમાં જે પણ નેતા મજબુત હોય તેને સહકાર અને ટેકો આપો જ્યારે તે નેતા ટાંટિયાખેંચની પ્રવૃતિ કરતા હોય તેવાને ફેકી દો. વધુમાં વિશાળ જનમેદનીને સંબોધતા રાદડિયાએ જણાવ્યું હતું કે, જામ કંડોરણા જેવા પછાત તાલુકાને મારા પિતાએ જન્મ ભૂમિ સાથે કર્મભૂમિ બનાવી ઋણ અદા કરવા આજ ધરતી ઉપરથી સમાજસેવાનો મહાયજ્ઞ શરૂ કર્યો હતો. શિક્ષણકાર્યથી આ સેવાયજ્ઞની શરૂઆત કરી આરોગ્ય અને સમુહ લગ્નોત્સવ સહિતના અનેક કાર્યો આજે પણ આ ધરતી ઉપર થઈ રહ્યા છે. ત્યારે મારા પિતાશ્રીએ વાવેલું વૃક્ષ હવે વટવૃક્ષ બની રહ્યું હોય તેવી પ્રતિતિ થઈ રહી છે. અમારા તાલુકાના અને આસપાસના વિસ્તારોના કાર્યકર્તાઓ હંમેશા અમે હાંકલ કરી ત્યારે અમારી પડખે ઉભા રહ્યા છે. અને દરેક પરિસ્થિતિમાં અડીખમ યોદ્ધાની જેમ લડતા આવ્યા છે. દરેક સેવાના કાર્યોમાં કાર્યકરોની મહેનત અને લગ્નના કારણે તમામ કાર્યક્રમો કલ્પનાતિત સફળતા મેળવી રહ્યા છે. તેનો જશ પણ જામ કંડોરણા તાલુકાની જનતા અને કાર્યકરોને ફાળે જાય છે.