ગુજરાતના રાજકારણમાં પણ પરિવારવાદ ચાલે નહીં બંબાટ દોડે!
બે ડઝનથી વધુ સાંસદો-ધારાસભ્યોને નેતાગીરી ગળથુંથીમાં મળી, અમૂક સુપરહીટ, અમૂકને નસીબે યારી આપી નહીં
રાજકારણમાં પોતાના કદ કરતાં કયા પરિવારમાંથી આવે એ વધુ મહત્વનું, વિધાનસભામાં સૌથી વધુ ભાજપના ધારાસભ્યોને ઉત્તરોતર ‘ગાદી’ મળી
ગુજરાતના રાજકારણમાં નવા ચહેરાઓની કાયમી અછત જોવા મળે છે. તેનું સૌથી મોટુ કારણ એ છે કે ગુજરાતના રાજકારણમાં પરિવારવાદ બંબાટ ચાલે છે. કોઈપણ પક્ષ હોય રાજકીય પૃષ્ઠ ભૂમિમાંથી આવતાં ચહેરાઓને ફટાફટ ટિકીટ મળી જાય છે. પરિણામે હાલના સાંસદો અને ધારાસભ્યમાં બે ડઝનથી વધુ ગળથુથીમાં મળેલ રાજકારણ વાળા નેતાઓ છે. ગયા વર્ષે યોજાયેલ લોકસભા તેમજ 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ 22 જેટલા નેતાઓ રાજકીય પરિવારોમાંથી ચૂંટાયા હતાં. જ્યારે રાજ્યસભાના ત્રણ સાંસદ પણ રાજકીય પરિવારમાંથી આવે છે. ઘણી વખત રાજકીય પરિવારમાંથી આવવા છતાં અમુક નેતાઓને નસીબે યારી ન આપતાં ‘ગાદી’ મળી ન હોય તેવું પણ બન્યું છે.
રાજકીય પક્ષ ગમે તે હોય પરંતુ પરિવારવાદને કારણે અનેક નેતાઓને કિસ્મત ચમકી ગઈ છે. લોકસભા 2024ની ચૂંટણીમાં બે સાંસદો હેવી રાજકીય બેક ગ્રાઉન્ડ ધરાવતાં હતાં. જેમાં સાબરકાંઠાના સોભના બારૈયા અને જામનગરના પૂનમ માંડમનો સમાવેશ થાય છે. હાલની વિધાનસભામાં કોંગ્રેસમાંથી શૈલેષ પરમાર, અમૃત ઠાકોર, ગુલાબસિંહ ચૌહાણ, ડો.તુષાર ચૌધરી અને અમીત ચાવડા પોલીટીકલ બેકગ્રાઉન્ડમાંથી આવે છે.
જ્યારે ભાજપની યાદી તો બહુ લાંબી છે. ભાજપ પક્ષમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હોય અને રાજકીય બેકગ્રાઉન્ડ ધરાવતાં હોય તેવા ધારાસભ્યોમાં હિરા સોલંકી, કમલેશ પટેલ, પ્રવિણ માળી, રાજેન્દ્રસિંહ રાઠવા, શૈલેષ ભાભોર, ભગા બારોટ, નરેશ પટેલ, જયેશ રાદડિયા, કિરીટસિંહ રાણા, જૈતન્ય દેસાઈ, અલ્પેશ ઠાકોર, પાયલ કુકરાણી, કિશોર મહેશ્ર્વરી અને ગીતાબા જાડેજાનો સમાવેશ થાય છે. રાજ્યસભાના સાંસદોમાં કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ અને ભાજપના કેશરીદેવસિંહ ઝાલા તથા જે.પી.નડ્ડા પોલીટીકલ બેકગ્રાઉન્ડ ધરાવે છે.એસોસીએશન ઓફ ડેમોક્રેટીક રિફોર્મ (એ.ડી.આર.)દ્વારા દેશભરનાં સાંસદો, ધારાસભ્યોના બેકગ્રાઉન્ડનો રિપોર્ટ રજુ કરાયો હતો. જેના પ્રમાણે ગુજરાતમાં વંશીય રાજકારણનો હિસ્સો 12 ટકા જેટલો છે.
