પ્રેમિકાને પૈસા આપવા કાકીની હત્યા કરી ભત્રીજાએ ચલાવી લૂંટ
- નવી કોર્ટ પાસે થયેલ મહિલાની લૂંટ વિથ મર્ડરની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો
- આઘાત અને પોલીસના ડરે કાકાએ પણ પત્નીની હત્યા કબૂલી લીધી પણ પોલીસે દુધનું દુધ કરી નાખ્યું
- કાકીનું ઢીમ ઢાળી ભત્રીજો પ્રેમિકા સાથે ફરવા નીકળી ગયો અને કાકા ફસાઇ ગયા
જામનગર રોડ પર નવી કોર્ટ બિલ્ડીંગ પાસે શિવ સાગર સોસાયટી શેરી નં. 1માં ભાડાના મકાનમાં રહેતી હેમાલી નામની પરિણીતાની હત્યા થયેલી લાશ તેના મકાનમાંથી મળી આવી હતી. પોલીસના મારની બીકે તેના પતિ અલ્પેશ પરશોતમ વરુએ હત્યા કબુલી લીધા બાદ ક્રાઈમ બ્રાંચની તપાસમાં ચોંકાવનારો ઘટ્ટસ્ફોટ થયો હતો.ખરેખર હેમાલીની હત્યા તેના પતિએ નહીં પરંતુ પાડોશમાં જ રહેતા કૌટુંબિક ભત્રીજો પ્રેમ ભરત જેઠવા (ઉ.વ.20) (રહે. અયોધ્યા ચોકડી, યોગરાજનગર, શિવસાગર પાર્ક, બ્લોક 5/6) એ કરી હતી. ક્રાઈમ બ્રાંચની તપાસમાં એવુ ખુલ્યું છે કે પ્રેમની પ્રેમિકા કે જે પીજી તરીકે રાજકોટમાં રહે છે. તેને ભાડુ ભરવા માટે અને અન્ય કામ માટે પૈસાની જરૂર હતી. આ વાત તેણે પ્રેમને કરી હતી.
પ્રેમની કાઈમ બ્રાન્ચે પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, ગઈ તા.14ના રોજ પોતે હેમાલીબેનની પુત્રીને રમાડવાના બહાને ઘરમાં ધુસ્યો હતો અને હેમાલીબેન કામ કરી રહ્યા હતાં તેવામાં આરોપી પ્રેમે કબાટ ખોલી તેમાં રહેલા સોનાના દાગીના ખિસ્સામાં નાખતો હતો ત્યારે હેમાલીબેન સાથે માથાકુટ થઈ હતી અને હેમાલીબેન પ્રેમની માતાને ફોન કરતા આરોપી ગુસ્સામાં આવી ગયો હતો અને તેમણે હેમાલીબેનનું મોઢુે દબાવી કાતરનો એક ઘા ગળા પર ઝીંકી દાગીનાની લુંટ કરી ત્યાથી નાસી ગયો હતો.
આ દાગીના વેચી પ્રેમિકા સાથે તે ફરવા નીકળી ગયો હતો.પરંતુ તેનું નામ ખુલી જતાં ક્રાઈમ બ્રાંચે તેને વડોદરાથી ઝડપી લીધો હતો.તેની સાથે તેની પ્રેમિકા પણ મળી આવી હતી.પરંતુ તેનો હત્યામાં કોઈ રોલ નહીં હોવાની ક્રાઈમ બ્રાંચને પ્રાથમિક તપાસમાં માહિતી મળી છે.
હત્યા બાદ ગાંધીગ્રામ-2 પોલીસે હત્યાનો ભોગ બનનાર હેમાલીના પતિ અલ્પેશની ફરિયાદ પરથી ગુનો દાખલ કર્યો હતો.પુછપરછ દરમિયાન કેટલાક મુદ્દે શંકા જતાં ક્રાઈમ બ્રાંચે અલ્પેશની સઘન પુછપરછ કરતાં તેણે હત્યા કબુલી લીધી હતી.પરંતુ તેની સંડોવણીના પુરાવા મળી રહ્યા ન હોવાથી ક્રાઈમ બ્રાંચના ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ,એસીપી ભરત બસીયા, પીઆઈ એમ.આર. ગોંડલિયાની રાહબરીમાં પીએસઆઈ એમ.જે.હુણ સહિતના સ્ટાફે ઉતાવળ કર્યા વગર અલ્પેશની કબુલાત છતાં તેની ધરપકડ કરવાનું ટાળ્યું હતું અને આ બનાવની તપાસ ચાલુ રાખી હતી.આ બનાવ અંગે પ્રેમની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, આરોપી પ્રેમ પોતાના મોજશોખ પુરા કરવા માટે ચોરી કરવાના રવાડે ચડી ગયો હતો.
પ્રેમ અને તેની પ્રેમિકા સુરત સ્થાયી થવાના હતા
પ્રેમ તેની પ્રેમિકાને પૈસાની મદદ કરવા અને ફરવા પણ લઈ જવા માંગતો હતો.આ ઉપરાંત તેની સાથે હંમેશા માટે સુરત સ્થાયી થવા માંગતો હતો.પરંતુ આ બધા કામ માટે તેની પાસે પૈસા ન હતા.જેથી તેમણે પાડોશી હેમાલીબેનના ઘરમાં ઘુસી લૂંટ કરી હત્યા કરી હતી.
પત્નીની હત્યા બાદ પડી ભાંગેલા અલ્પેશનું કાઉન્સેલિંગ પણ કરાયું
અલ્પેશ પોતે પત્નીના મૃત્યુ બાદ આઘાતમાં પડી ગયો હોય. હત્યા પોતે જ કર્યાની વાતને વળગી રહ્યો હોવાથી ક્રાઈમ બ્રાંચે તેનું કાઉન્સેલીંગ કર્યું હતું. બાદમાં તેના પરિવારને બોલાવી અલ્પેશને વિશ્વાસમાં લઈ સમજાવટ કરવાનું કહ્યું હતું. જેથી વાલીઓએ પણ સમજાવટ કરી હતી. પરંતુ કોઈ ફાયદો થયો ન હતો. બે દિવસ બાદ અલ્પેશે હત્યા નહીં કર્યાનું સ્વિકારી લીધું હતું.
લૂંટમાં ગયેલા દાગીના અને પાડોશી પ્રેમ લાપતા થતા તે દિશામાં તપાસ કરતા મહત્ત્વની કડી મળી
પત્નીની હત્યા બાદ પડી ભાંગેલા તેમના પતિ અલ્પેશ આ હત્યા પોલીસના ડરથી કબૂલી લીધી હતી.જોકે તેના વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નહોતા.જેથી અલ્પેશને દાગીના અંગે પૂછતાં તેમને કાંઈ જાણ ન હોય માટે પોલીસે દાગીના ચોરી અંગે તપાસ શરૂૂ કરી હતી અને ઘરે અવર જવાર કરતા ત્યાં નજીકમાં રહેતો પ્રેમ બુધવારથી જ લાપતા હોય તે આ હત્યાના ગુન્હામાં સંડોવાયેલો હોવાની શંકા દૃઢ બનતા પોલીસે મોબાઈલ લોકેશનને આધારે અલગ અલગ ટીમો બનાવી પ્રેમને વડોદરાથી ઝડપી લીધો હતો.