ગારિયાધાર નજીક બીમાર મામાની તબિયત પૂછી ઘરે પરત ફરતાં ભાણેજનું અકસ્માતમાં મોત
સિહોરના યુવાનના મોતથી પરિવારમાં શોક
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના એક ગામે રહેતો એક યુવક તેના મામા બિમાર હોય જેની ગારિયાધાર ખાતે ખબર અંતર પૂછવા ગયો હતો જ્યાંથી ઘરે પરત ફરતો હતો તે વેળાએ ગારિયાધાર-પાલિતાણા રોડ પર એક પુરપાટ ઝડપે આવતી કારના ચાલકે બાઇક ચાલક યુવકને અડફેટે લેતા ગંભીર હાલતે હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો જ્યાં તેમનું કરૂૂણ મોત નિપજતા પરિવારમાં ભારે શોક છવાઇ જવા પામ્યો હતો. સિહોર તાલુકાના ઢુંઢસર ગામે રહેતા ભલાભાઇ નાથાભાઇ ચૌહાણ (ઉ.વ.40) તેમના મામા આણંદભાઇ ગારિયાધાર ખાતે રહેતા હોય અને હાલ તે બિમાર હોય જેને લઇને ભલાભાઇ પોતાનું બાઇક નં. GJ 04 CH 9326 લઇ સિહોરથી ગારિયાધાર ખાતે ગયા હતા જ્યાંથી સાંજના સુમારે પરત ફરતા હતા તે વેળાએ ગારિયાધાર-પાલિતાણા રોડ પર આવેલ હડમતીયા ગામ નજીક કાર નંGJ 04 CR 0052 ના ચાલકે ભલાભાઇના બાઇક સાથે અકસ્માત કરી, ગંભીર ઘાયલ કર્યા હતા જે બનાવ બાદ ગંભીર રીતે ઘાયલ થયેલ ભલાભાઇને પાલિતાણા ખાતેની સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા જ્યાં ફરજ પરના તબિબે તેમને તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં ભારે શોક છવાઇ જવા પામ્યો હતો. ઘટના બાદ કાર ચાલક કાર મુકી નાસી જતાં પોલીસે શોધખોળ હાથ ધરી હતી અને મૃતક ભલાભાઇના નાના ભાઇ ભુપતભાઇ નાથાભાઇ ચૌહાણે અજાણ્યા કાર ચાલક વિરૂૂદ્ધ પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.