રણમલ તળાવમાં નાહવા પડેલા નેપાળી બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરમાં નહેરના કાંઠા વિસ્તારમાં રહેતા નેપાળી પરિવારનો આઠ વર્ષનો બાળક ગઈકાલે પોતાના ઘેરથી એકાએક લાપતા બન્યો હતો, અને પરિવારજનો શોધખોળ કરી રહ્યા હતા. સીટી એ. ડિવિઝન પોલીસમાં જે અંગે જાણ પણ કરી હતી, દરમિયાન રાત્રીના એકાદ વાગ્યે બાળકનો મૃતદેહ રણમલ તળાવમાંથી મળી આવ્યો છે. બાળક નહાવા માટે પડતાં ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં નહેરના કાંઠા વિસ્તારમાં એમ્પાયર એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રહેતા હેમલભાઈ શીવાભાઈ નેપાળી નો 8 વર્ષનો પુત્ર કમલ કે જે ગઈકાલે સાંજે પોતાના ઘેરથી એકાએક લાપતા બની ગયો હતો. પરિવારજનો તેને શોધી રહ્યા હતા, અને સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં પણ જાણ કરી હતી.
જેથી સિટી એ. ડિવિઝનના પીઆઇ એન.એ. ચાવડા અને તેઓની ટીમ બાળકને શોધી રહી હતી, દરમિયાન રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં બાળકનો મૃતદેહ રણમલ તળાવના પાણીમાં તરી રહ્યો છે, તેવી માહિતી મળી હતી.
જેથી પોલીસે તુરંત જ ફાયર બ્રિગેડ નો સંપર્ક સાધ્યો હતો, અને ફાયર શાખાની ટુકડીએ સ્થળ પર દોડી આવી, પાણીમાંથી બાળકના મૃતદેહને બહાર કાઢ્યો હતો, અને પોલીસને સુપ્રત કર્યો હતો.