વિજયભાઈના નિધનથી પડોશીઓ પણ શોકમાં ગરકાવ
અમદાવાદમાં ગત ગુરુવારે થયેલી વિમાન દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીનું નિધન થતા તેમની સોસાયટીના રહિશો તથા પારિવારિક મિત્રો આઘાતમાં છે. પાડોશીઓએ જણાવ્યું હતું કે, હવે માત્ર તેમની યાદો અમારી પાસે રહેશે. આજે અમને સૌથી મોટી ખોટ પડી છે તે હવે અમે ક્યારેય નહીં ભૂલી શકે. વિજયભાઈ અમારી સાથે મુખ્યમંત્રી નહીં પરંતુ એક સામાન્ય નાગરિક તરીકે રહેતા હતા. પાડોશી કિરનબેન શાહે જણાવ્યું હતું કે, અમે પરિવારના મોભી ગુમાવ્યા છે એવું અમને લાગે છે. બધા ઘરના સાથે એમના ફેમિલી સાથે, એમને અમારા ફેમિલી સાથે એટલો જ સંબંધ હતો જાણે કોઈ ઋણાનુબંધ હોય અમારી સાથે એમના એવા અમારા સંબંધ હતા.એમના નિધનના સમાચાર સાંભળીને હજી એ માનવામાં નતું આવતું. હવે તો ડીએનએ ટેસ્ટ પણ આવી ગયો તો હવે આપણે માનવું પડે કે ના આ બધું સત્ય છે. સત્યતા સ્વીકારવી જ પડશે આપણે. એટલે હવે સ્વીકારવું પડે છે. પણ એમના નિધનથી અમને જે ખોટ પડી છે. અમારા પરિવારમાં, અમારા સોસાયટીમાં, આપણા રાજકોટને, આપણા ઇન્ડિયાને જે ખોટ પડી છે. એ કોઈ દિવસ પુરાવાની જ નથી.
તેમણે વધુમાં કહ્યું હતું કે, લગભગ અઠવાડિયા પહેલા એ જ્યારે આવ્યાને અહીં રાજકોટ ત્યારે જ અમે એમને જોયા અને બહારથી જ અમારે હાય હેલો થઈ ગયું હતું. પછી મળ્યા નથી મને. એમનો બહુ મળતાવડો સ્વભાવ ને ગીત ગાવામાં હોશિયાર. અહીંયા આવે મારી ઘરે તો કહેતા કે હાલો કિરણબેન ઝીંજરા શેકો ઝીંજરા ખાવા છે. અને એકલા હોય તો એમ કે હાલો આજે ભૂખ લાગી જે અંજલિબેન લંડન ગયા છે. એમ કે આવો હોય ચા મૂકો ને નાસ્તો કરવો છે. એવા અમારા સંબંધ હતા કે ભાઈ એવું એને લાગ્યું જ નથી અમને કે આ વિજયભાઈ છે એક મોટા માણસ છે. હવે તો એની યાદ જ રહી છે આપણી પાસે બીજું કાંઈ નથી એની મીઠી યાદોને આપણે વાગોળવી પડશે.
એની યાદ તો કોઈ દિવસ ભૂલાવવાની જ નથી જિંદગીમાં. અન્ય પાડોશી બિનલબેન શાહે જણાવ્યું હતું કે, અંતિમ સંસ્કાર થશે હવે એમની છેલ્લી યાદો અમારી સાથે રહેશે બસ આ દર્શન અમે કરી શકશું એટલું અમને સૌભાગ્ય મળશે. ઘણી બધી યાદગાર યાદો છે ત્યોહારોમાં સાથે હતા હસવા બોલવામાં સોસાયટીના સુખ દુ:ખમાં હંમેશા સાથ જ રહ્યા છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, નેચર શાંત સરળ અને સીધા માણસ ક્યારે પણ એમને મુખ્યમંત્રી પદનું અભિમાન નથી કર્યું કે ક્યારેય અમને એમ નથી કીધું કે અમે મુખ્યમંત્રી છીએ તો તમે મળવા નહીં આવી શકો. હંમેશા અમને બધાનું નાના હોય કે મોટા હોય બધા જ કર્મચારીઓ બધા જ કાર્યકર્તા બધાનો જ ખ્યાલ રાખ્યો છે. સોસાયટીમાં પણ બધાની સાથે એવો જ વ્યવહાર હતો. હા ઘણીવાર આવ્યા છે. નાસ્તો કરવા આવતા જમવા પણ આવતા કોઈ દિવસ એવું નથી રાખ્યું કે મુખ્યમંત્રી છે તો અમે એમની ઘરે ના જઈ શકીએ. હા પ્રોટોકોલ છે એ ફોલો કરવા પડે તો પણ આવતા.