ગોલ્ડન પાર્કમાં ડોકટર પરિવાર ઉપર પાડોશી માતા-પુત્રીનો હુમલો
શહેરમાં રવિરત્ન પાર્ક મેઇન રોડ પર આવેલા ગોલ્ડન પાર્કમાં રહેતા ડોકટર પરિવાર ઉપર પાડોશમાં રહેતી માતા-પુત્રીએ હુમલો કરી લાકડી વડે માર માર્યો હતો. મહિલા અને તેના બે સંતાનોને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા. છેલ્લા 12 વર્ષની લતાવાસીઓ મકાન ખાલી કરાવવા ત્રાસ આપતા હોવાનું ડોકટર પરિવારે આક્ષેપ કર્યો હતો.આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ રવિરત્ન પાર્ક મેઇન રોડ પર ગોલ્ડન પાર્કમાં રહેતા ઉમંગીબેન વિરલભાઇ કારીયા (ઉ.વ. 47), તેની પુત્રી ખુશીબેન વિરલભાઇ કારીયા (ઉ.વ. 22) અને પુત્ર તૃપન કારીયા (ઉ.વ. 11) પોતાના ઘર પાસે હતા ત્યારે પાડોશમાં રહેતી સુમીબેન પટેલ, તેની પુત્રી નિયતીબેન અને વેદાંત નામના શખ્સએ લાકડી વડે માર માર્યો હતો.
માતા અને તેના સંતાનોને ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પ્રાથમિક પુછપરછમાં ઉમંગીબેન કારીયાના પતિ ડોકટર છે અને પુત્રી ખુશી અમદાવાદ અભ્યાસ કરે છે. હાલ રજામાં ઘરે આવી છે. પાડોશી પરિવાર છેલ્લા 12 વર્ષથી મકાન ખાલી કરાવવા મુદે ઝઘડા કરી ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ અંગે યુનિવર્સિટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.