એકતા, અનુશાસન અને નેતૃત્વનો સંગમ એટલે NCC
રાજકોટ NCC ગ્રુપમાં 15 હજાર કેડેટસ તાલીમ લઇ રહ્યા છે, સેના અને સમાજને જોડતી કડીરૂપ કામગીરી
સ્કૂલ, કોલેજના વિદ્યાર્થીઓમાં એકતા અને અનુશાસનના પાઠ ભણાવતી દેશની સૌથી મોટી સૈન્ય તાલીમ આપતી સંસ્થા એટલે નેશનલ કેડેટ્સ કોર્પ્સ. કે જે એન.સી.સી. થી ઓળખાય છે. ગુજરાતમાં ટુ ગુજરાત બટાલિયન કાર્યરત છે. જેમાં 80 હજાર જેટલા કેડેટ્સને ડ્રિલ, ફાયરિંગ, મેપ રીડિંગ, વિવિધ શસ્ત્ર અંગેની જાણકારી સહિત લશ્કરી તાલીમ આપતા કેમ્પ યોજવામાં આવે છે.
એન.સી.સી. ગ્રુપ રાજકોટના ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર કે. લોગનાથન, એન.સી.સી. ની પ્રવૃત્તિ વિશે જણાવેછે કે, એન.સી.સી. રાજકોટ ગ્રુપમાં 8 હજાર સિનિયર તેમજ 7 હજાર જેટલા જુનિયર કેડેટ્સ મળીને 15 હજાર જેટલા કેડેટ્સ હાલ જોડાયેલા છે. કેડેટ્સમાં એકતા, અનુશાસન અને લીડરશીપના ગુણોની કેળવણી સાથે ફૌજી ટ્રેનિંગ આપવામાં આવે છે. સાથોસાથ તેઓ જવાબદાર નાગરિક બને અને સામાજિક દાયિત્વ નિભાવે, તે માટે સતત માર્ગદર્શન અપાય છે.
નિયમિત પરેડ, કેમ્પમાં સહભાગિતા તેમજ રાઇફલ શુંટિંગ, મેપ રીડિંગ સહિતની ટ્રેનિંગ થકી તેઓ સેનાની કામગીરીથી સારી રીતે માહિતગાર થાય છે. પરિણામે ભવિષ્યમાં દેશની આંતરિક કે બાહ્ય સુરક્ષાર્થે તેઓ જોડાઈ શકે છે.
કેડેટ્સની વિશિષ્ટ તાલીમને કારણે યુદ્ધ જેવી પરિસ્થિતિમાં કેડેટ્સ સૈન્ય અને લોકો વચ્ચે અગત્યની કડી બની શકે છે. સરહદ પર તેમજ અંદરના વિસ્તારોમાં લોકોને સુરક્ષિત રાખવા, નિયમ પાલન સાથે તેઓ સેનાની મદદ કરી શકે છે. યુદ્ધની વિકટ પરિસ્થિતિમાં પણ એન.સી.સી. ના સીનીયર કેડેટ્સ સરહદ પર નહીં પરંતુ લોકો વચ્ચે રહી શાંતિનો માહોલ જાળવી રાખવા મદદરૂૂપ બની શકે છે તેમ ગ્રુપ કમાન્ડર લોગનાથન જણાવે છે.કેડેટ્સ બ્લડ ડોનેશન, યોગા-ડે, વૃક્ષા રોપણ, સાયકલ રેલી દ્વારા સામાજિક, સેવાકીય, રાષ્ટ્રભક્તિ અને જનજાગૃતિના કાર્યોમાં પણ સતત જોડાઈ લોકોને પ્રેરણા પુરી પાડી રહ્યા છે, ત્યારે વધુને વધુ બાળકો, યુવાનો એન.સી.સી. ની તાલીમ મેળવે તેવી અપીલ લોગનાથન કરે છે. ભારત દેશનું સૈન્ય ખુબ જ મજબૂત છે. આપણા સૈન્યના જવાનો માટે રાષ્ટ્ર પ્રથમ છે. અહીં જાતિ, ધર્મ, પ્રદેશ થી ઉપર દેશ અને તેની સુરક્ષા છે.
આપણી સેના વિશ્વમાં બીજા ક્રમની સૌથી મોટી તેમજ ટેકનોલોજી અને વેપનની દ્રષ્ટિએ અમેરિકા, ચીન બાદ બાદ સશક્ત અને સમૃદ્ધ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મેક ઈન ઈંડિયા અને આત્મનિર્ભર ભારતને પરિણામે ભારતની સેના છેલ્લા દશ વર્ષમાં વધુ મજબૂત બની છે. આપણે શસ્ત્ર સરંજામ પહેલા બહારથી મંગાવતા હતાં, આજે ભારત તેની નિકાસ કરે છે. કોઈપણ દેશની સરહદો સુરક્ષિત હોઈ તે દેશ સારો વિકાસ વિકાસ કરી શકે છે, માટે જ આપણી સરહદો વધુ સુરક્ષિત રાખવી જરૂૂરી હોવાનું લોગનાથન ભારપૂર્વક જણાવે છે.
ગ્રૂપ કમાન્ડર બ્રિગેડિયર કે. લોગનાથનનો પરિચય
બ્રિગેડિયર કે. લોગનાથન, એન.સી.સી. ગ્રુપ હેડક્વાર્ટર્સ, રાજકોટના ગ્રુપ કમાન્ડર તરીકે 1 જુલાઈ 2024ના રોજ નિયુક્ત થયા છે. તેઓએ અમરાવતીનગર સ્થિત સૈનિક શાળામાં શિક્ષણ લીધેલું છે. અભ્યાસ દરમ્યાન તેઓ એન.સી.સી.ના કેડેટ રહ્યા હતા અને 7 વર્ષ સુધી એન.સી.સી. ની તાલીમ લીધેલી છે. તેમણે પુણે સ્થિત પ્રતિષ્ઠિત નેશનલ ડિફેન્સ એકેડેમીમાં પ્રવેશ મેળવીને જે.એન.યુ. માંથી સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી છે. 1992ના જૂનમાં તેઓ ઇન્ડિયન મિલિટરી એકેડેમી, દેહરાદૂનમાંથી મદ્રાસ રેજિમેન્ટમાં કમિશન્ડ થયા હતા, ત્યારે તેમનું યુનિટ ઉત્તર કાશ્મીરની લાઇન ઓફ ક્ધટ્રોલ પર તૈનાત હતું.
કે. લોગનાથને ભારતીય સેવામાં 32 વર્ષથી વધુ સમય સુધી સેવા આપી છે અને વિવિધ પ્રકારના ભૂગોળીય વિસ્તારોમાં ફરજ બજાવી છે, જેમાં જમ્મુ અને કાશ્મીરના ઊંચાઈવાળા વિસ્તારો, પંજાબના મેદાનો, રાજસ્થાનના રણ અને મણિપુર અને સિક્કિમના પહાડી વિસ્તારોનો સમાવેશ થાય છે.તેમણે મણિપુરમાં કાઉન્ટર ઇન્સર્જન્સી ઓપરેશન્સ દરમિયાન 12 મદ્રાસ બટાલિયનનું કમાન્ડ કર્યું હતું.
બિનાગુરીમાં માઉન્ટેન બ્રિગેડનું પણ કમાન્ડ કર્યું હતું. તેઓ લૈમાખોંગ (મણિપુર)માં માઉન્ટેન ડિવિઝનના ડેપ્યુટી જનરલ ઓફિસર કમાન્ડિંગ અને શ્રીગંગાનગરમાં ઇન્ફન્ટ્રી ડિવિઝનના ડેપ્યુટી જનરલ ઓફિસર કમાન્ડિંગ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. તેમણે ઇન્ડિયન મિલિટરી એકેડેમી, દેહરાદૂનમાં પ્લાટુન કમાન્ડર અને એડજ્યુટન્ટ તરીકે બે શૈક્ષણિક નિમણૂકો પણ સંભાળ્યા છે. આ ઉપરાંત, તેઓ આર્મી વોર કોલેજ, મ્હાઉમાં સિનિયર કમાન્ડ વિંગમાં ડિરેક્ટિંગ સ્ટાફ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તેમણે કોંગોમાં યુનાઇટેડ નેશન્સ મિશનમાં એક વર્ષ માટે મિલિટરી ઓબ્ઝર્વર તરીકે પણ ફરજ બજાવી છે. લોગનાથને જે.એન.યુ., દિલ્હીથી બી.એસ.સી., મદ્રાસ યુનિવર્સિટીમાંથી ડિફેન્સ અને સ્ટ્રેટેજિક સ્ટડીઝમાં એમ.એસ.સી. અને ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ, દિલ્હીથી એમ.બી.એ. નો અભ્યાસ કર્યો છે. તેઓ ગોલ્ફ, ઘોડેસવારી અને સાયક્લિંગનો શોખ ધરાવે છે.