પોરબંદર ચોપાટી ખાતે નેવી ડે ની ભવ્ય ઉજવણી
ભારતમાં દર વર્ષે 4 ડિસેમ્બરે નેવી ડે ઉજવાય છે. આ વર્ષે પોરબંદર ચોપાટી પર નેવલ હેડ ક્વાર્ટર દમણ અને દીવ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉમટી પડ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત ભારતીય નૌસેનાના 4 યુદ્ધ જહાજો, 3 ડોનિયર એરક્રાફ્ટ અને ડ્રોન દ્વારા સમુદ્ર વિસ્તારમાં આકર્ષક કૌવત પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ દૃશ્યો જોવા માટે ચોપાટી પર જનસમુદાય ઉમટી પડ્યો હતો.
ભારતમાં 4 ડિસેમ્બર, 1971ના ભારત-પાક યુદ્ધ દરમિયાન ભારતીય નૌસેના દ્વારા કરાયેલા ઐતિહાસિક ઓપરેશન ટ્રાઇડન્ટની યાદમાં નેવી ડે ઉજવાય છે. 4 ડિસેમ્બર, 1971ની રાત્રે ભારતીય મિસાઈલ બોટ્સે કરાચી બંદર પર અચાનક હુમલો કર્યો હતો, જેમાં પાકિસ્તાની નૌસેનાને ભારે નુકસાન થયું હતું. આ શૌર્ય અને સાહસિકતાની યાદમાં આ દિવસ સમગ્ર દેશમાં ઉજવાય છે. પોરબંદરની ચોપાટી પર યોજાયેલા કાર્યક્રમમાં ઇન્ડિયન નેવીના જવાનો દ્વારા માર્ચ પાસ્ટ, ડી.અઝ.ડી જવાનોની પરેડ, એન.સી.સી. અને સી કેડેટ્સના પ્રદર્શનો રજૂ કરાયા હતા. મહિલા અગ્નિવીર અને જવાનોએ હથિયારો સાથે કરતબો પણ દર્શાવ્યા હતા. નેવલ બેન્ડના દેશભક્તિપૂર્ણ સૂરોએ વાતાવરણને દેશભક્તિમય બનાવ્યું હતું.
આ કાર્યક્રમમાં નેવીના ફોગના રીઅર એડમિરલ તન્નુ ગુરુ અને નોએક ગુજરાતના કોમોડોર સૌરવ રસ્તોગી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ પણ અનેક કૌવતો રજૂ કરીને કાર્યક્રમની શોભા વધારી હતી.