For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નવાગામ આણંદપર સરકારી જમીનમાં મકાન બની ગયા: એક કરોડની જમીન પર બુલડોઝર ફર્યુ

04:58 PM Feb 20, 2024 IST | Bhumika
નવાગામ આણંદપર સરકારી જમીનમાં મકાન બની ગયા  એક કરોડની જમીન પર બુલડોઝર ફર્યુ
  • હજુ 30 થી 40 જેટલા દબાણકર્તાઓ સામે કેસ ચાલ્યા બાદ ડિમોલિશન હાથ ધરાશે

રાજકોટ શહેરનો વિકાસ હરણફાળ ગતિએ આગળ વધી રહ્યો છે ત્યારે ભુમાફીયાઓ દ્વારા શહેરની ભાગોળે આવેલી કરોડો રૂપિયાની સરકારી જમીન પર કબજા કરી પ્લોટો પાડી બારોબાર વેચી નાખતા હોવાનું જિલ્લા કલેકટર પ્રભવ જોષીના ધ્યાન પર આવતાં તમામ મામલતદારોને સરકારી જમીન પર થયેલ દબાણ દૂર કરવા ખાસ સુચના આપવામાં આવી છે ત્યારે આજે સતત બીજા દિવસે તાલુકા મામલતદાર દ્વારા નવા ગામ આણંદપર ગામે સરકારી જમીનમાં ઉભા થઈ ગયેલ 300 વારના મકાન ઉપર બુલડોઝર ફેરવી દઈ એક કરોડની જમીન ખુલ્લી કરાવી હતી અને બાકીના 30 થી 40 જેટલા દબાણકર્તાઓ સામે કેસ કરવામાં આવ્યો છે અને આખરી સુનાવણી બાદ તેઓના પણ દબાણો દૂર કરવામાં આવશે તેમ જાણવા મળેલ છે.રાજકોટ નજીક નવાગામ આણંદપર ખાતે આવેલ સર્વે નં.207 પૈકીની કરોડોની કિંમતની સરકારી જમીન પર ભુમાફીયાઓએ દબાણ કરી મકાનો, દુકાનો, ખડકી દીધા છે. સરકારી જમીનમાં 30 થી 40 જેટલા મકાનો અને દુકાનો ઉભા કરી દબાણ કરી દેવામાં આવ્યું હોવાનું તાલુકા મામલતદાર મકવાણાના ધ્યાન પર આવતાં દબાણકર્તા વશરામભાઈ કાનાભાઈ શેખને નોટિસ ઈસ્યુ કરી હતી.

Advertisement

સરકારી જમીનમાં 300 ચોરસ વાર પર દબાણ કરી મકાન ઉભુ કરનાર વશરામભાઈ શેખ સામેનો કેસ ચાલી ગયા બાદ આખરી નોટિસ ઈસ્યુ કરવામાં આવી હતી અને આજે મામલતદાર મકવાણા, નાયબ મામલતદાર રઘુરાજસિંહ વાઘેલા, તલાટી મંત્રી, સર્કલ ઓફિસર અને પોલીસ બંદોબસ્ત સાથે સવારે નવાગામ ખાતે દોડી ગયા હતા અને 300 ચો.મી.જમીન પર થયેલ દબાણો પર બુલડોઝર ફેરવી દઈ એક કરોડની જમીન ખુલ્લી કરાવી હતી.
નવાગામ આણંદપર ખાતે બાકીના 30 થી 40 જેટલા દબાણકર્તાઓ સામે કેસ કરી સુનાવણી હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ દબાણકર્તાઓને આખરી નોટિસ ઈસ્યુ કરી ટૂંક સમયમાં તેઓના પણ દબાણો દૂર કરવાની ખાસ સુચના આપવામાં આવી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement