કુદરત રૂઠી... સરકાર જૂઠી, ખેડૂતોનું સંપૂર્ણ દેવુ માફ-નહીં તો ભાજપ સાફ: કોંગ્રેસ
સોમનાથ મહાદેવના આશિર્વાદ લઇ કોંગ્રેસની 13 દિવસની કિસાન જનઆક્રોશ યાત્રાનો આરંભ
ગુજરાતના સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારોમાં પડેલા કમોસમી વરસાદ (માવઠા)ને કારણે ખેડૂતોના મગફળી, કપાસ અને તલ જેવા મુખ્ય પાકને થયેલા વ્યાપક નુકસાન સામે વિરોધ નોંધાવવા માટે ગુજરાત કોંગ્રેસે આજે, 6 નવેમ્બરના રોજ કિસાન જન આક્રોશ યાત્રાનો પ્રારંભ કર્યો છે. આ યાત્રાનું પ્રસ્થાન ગીર સોમનાથ સ્થિત સોમનાથ મહાદેવના આશીર્વાદ લઈને કરવામાં આવ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા સહિતના વરિષ્ઠ નેતાઓ આ યાત્રાનું નેતૃત્વ કરી રહ્યા છે. આ યાત્રા 13 દિવસ સુધી અનેક જિલ્લામાં ફરી દ્વારકામાં સમાપ્ત થશે.
ખેડૂત આક્રોશ યાત્રાના પ્રારંભ પ્રસંગે યોજાયેલી જનસભામાં ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરોએ ભારે આક્રોશ સાથે નારા લગાવ્યા હતા. કમોસમી વરસાદ અને સરકાર તરફથી અપેક્ષિત સહાય ન મળવાના કારણે રોષે ભરાયેલા ખેડૂતોએ કુદરત રૂૂઠી... સરકાર જૂઠી..., ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ... નહીં તો ભાજપ સાફ...ના બુલંદ નારા લગાવ્યા હતા. આ નારા દ્વારા કોંગ્રેસે કુદરતી આફતની સાથે સાથે સરકારની નીતિઓ પર પ્રહાર કર્યો હતો અને ખેડૂતોનું દેવું માફ કરવાની મુખ્ય માગણીને આક્રમક રીતે રજૂ કરી હતી.
ખેડૂત આક્રોશ યાત્રાના પ્રારંભ પ્રસંગે ગીર સોમનાથ ખાતે યોજાયેલી જનસભામાં પ્રદેશ કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ, પદાધિકારીઓ અને ખેડૂત આગેવાનોએ ઉપસ્થિત રહીને ખેડૂતોના પ્રશ્નોને બુલંદ અવાજ આપ્યો હતો. યાત્રાનું નેતૃત્વ કરી રહેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની સાથે સાથે લાલજી દેસાઈ, લલિત કાગથરા, લલિત વસોયા, વિમલ ચુડાસમા, માજી ધારાસભ્ય ચંદ્રિકાબેન ચુડાસમા અને નુસરત પંજા જેવા અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત, ખેડૂત નેતા પાલ આંબલિયા અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજા વંશ સહિતના સ્થાનિક આગેવાનોએ પણ હાજરી આપી, જેનાથી સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસ પાર્ટી કમોસમી વરસાદથી પીડિત સૌરાષ્ટ્રના ખેડૂતોના પ્રશ્નોને ગંભીરતાથી લઈ રહી છે અને આ મુદ્દે સરકારને ઘેરવા માટે એકતા બતાવી છે.