સંતાનો કરતા વધુ લાડ પુસ્તકોને કરું છું
ગુજરાત સાહિત્ય અકાદમીમાં ક્રિષ્ના બા ચૌહાણ અક્ષર જ્ઞાન વગર આત્મસૂઝથી ભણેલાને પણ પાછા પાડી દે એ રીતે નિભાવી રહ્યા છે પોતાની જવાબદારી
નેશનલ લાઈબ્રેરી વીક: તા.14થી તા.20 નવેમ્બર: DRAWN TO THE LIBRARY
પુસ્તકોને વાંચવા કરતા સાચવવામાં આનંદ અનુભવતા ક્રિષ્ના બા ચૌહાણની પુસ્તકોની ઓળખ અને કામગીરી છે અદ્ભુત અને અનેરી
‘પુસ્તકો મારા જીવ જેવા છે. છોકરાઓને લાડ કરતી નથી એટલા લાડ પુસ્તકોને કરું છું.ઘરમાં ક્યારેક પરિસ્થિતિ ખરાબ હોય તો પણ અહીં પુસ્તકો વચ્ચે આવું એટલે બધું ભૂલી જાઉ. કોઈ આવે અને પુસ્તક લીધા વગર પાછા જાય તો મને ન ગમે. પુસ્તક મૂકવામાં કે ગોઠવવામાં કોઈ ઘા કરે કે સરખા ન ગોઠવે તો મારો જીવ કકળે.ક્યારેક ગેરહાજર હોવ અને ઘરેથી કોઈપણ વ્યક્તિ પુસ્તકનું પૂછે તો કઈ રેન્કમાં કઈ જગ્યાએ પુસ્તક છે તેની માહિતી હું આપી શકું.’ આ શબ્દો છે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના કર્મચારી ક્રિષ્ના બા ચૌહાણના. આમ તો પુસ્તક પ્રેમી માટે આવા શબ્દો સામાન્ય લાગે પરંતુ ક્રિષ્ના બા માટે આ શબ્દો એટલા માટે આશ્ચર્યજનક છે કારણ કે તેઓ ક્યારેય શાળાએ ગયા નથી, લખતા વાંચતા આવડતું નથી પરંતુ પુસ્તક પ્રત્યેની તેમની લાગણી અદ્ભુત અને અનેરી છે.જાણીતા પત્રકાર,લેખક અને પોઝિટિવ સ્ટોરી માટે સુપ્રસિદ્ધ રમેશભાઈ તન્નાએ પોતાની યુ ટ્યુબ ચેનલમાં ‘નવી સવાર’માં ક્રિષ્ના બાની વિગતે મુલાકાત લીધી છે. જાણીતા લેખક અને ભાષાશાસ્ત્રી બાબુભાઈ સુથારે પણ ક્રિષ્ના બા સાથેના પોતાના અનુભવનો સુંદર લેખ લખ્યો છે. મહમદ માંકડ , રઘુવીર ચૌધરી સહિતના મોટા ગજાના સાહિત્યકારો ,લેખકો પણ ક્રિષ્ના બાની આ આત્મસૂઝથી પ્રભાવિત થયા છે.તા.14 થી 20 દરમિયાન નેશનલ લાઈબ્રેરી વીકની ઉજવણી ચાલી રહી છે ત્યારે ક્રિષ્ના બા ચૌહાણની વાત આપ સહુને જરૂૂર સ્પર્શસે.
તેમનો જન્મ દહેગામના હરસોલી ગામમાં થયો. પાંચ બહેન અને એક ભાઈના પરિવારમાં પિતાજીની ગેરહાજરી અને માતા ઉપર બધી જ જવાબદારી હોવાના કારણે શિક્ષણ મેળવવાની તો કલ્પના જ કરવી રહી.એક બહેન અને એક ભાઈને માતાએ માંડ ભણાવ્યા. પરિસ્થિતિ જ એવી હતી કે ભણવા જાય તો ઘર ના ચાલે. ખેતીકામ સહિતના નાના-મોટા કામ કરીને ઘર ચલાવતા. લગ્ન કરીને સાસરે પેથાપુર આવ્યા તો ત્યાં પણ આર્થિક પરિસ્થિતિ એટલી સારી નહોતી.બે દીકરી અને એક દીકરાનો જન્મ થયો અને ઘરની આર્થિક સ્થિતિ પહોંચી વળવા ઘર કામ રસોઈ વગેરે કરવા લાગ્યા.ક્રિષ્ના બાના જીવનમાં આવેલ ટર્નિંગ પોઇન્ટ વિશે વાત કરતા તેઓ કહે છે કે ઘર કામ કરતાં કરતાં એક દિવસ ઓફિસમાં કામ કરવાનું થયું. ત્યાં પુસ્તકો પર લાગેલ ધૂળ સાફ કરવાની હતી.ઘરેથી સારા કપડાં લઈને બધા જ પુસ્તકો પરની ધૂળ સાફ કરી,ચોખ્ખા કરીને ફરી ગોઠવ્યા.વાંચતા તો આવડતું નહોતું પણ પુસ્તકના કલર અને ચિત્ર પરથી અલગ અલગ રેન્કમાં ગોઠવી નાખ્યા.
એ સમયે તેમને ખ્યાલ નહોતો કે પુસ્તકો સાથેની આ પ્રથમ મુલાકાત જીવનને બદલી નાખશે.સવારે 10:30 વાગ્યાથી સાંજે 06:10 સુધીની તેમની નોકરી દરમિયાન કોઈપણ વ્યક્તિ પુસ્તક લેવા આવે એટલે ગણતરીની મિનિટોમાં જ તે હાજર કરી દે એટલું જ નહીં એ જ લેખકના અન્ય પુસ્તક,એ વિષયના અન્ય પુસ્તકો વિશે પણ સૂચન કરે.પુસ્તક પર ડિસ્કાઉન્ટ હોય તો એ રીતે હિસાબ કરીને પૈસાની લેવડ દેવડ પણ જાતે કરે.કોઈ પુસ્તકનો ઓનલાઇન ઓર્ડર આવે ત્યારે પણ તે સારી રીતે પેક કરી કુરિયર માટે તેઓ મોકલી આપે છે. ક્યા પુસ્તક ક્યા પ્રેસનું છે એ પણ તેઓ જાણે.લોકો પુસ્તક ખરીદે,વાંચે તેનો આનંદ ક્રિષ્ના બા અનુભવે.
ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રમુખ ભાગ્યેશભાઈ જ્હા અને મહામાત્ર ડો. જયેન્દ્રસિંહ જાદવ વિશે વાત કરતા તેઓ જણાવે છે કે બંને સાહેબોએ મને ખૂબ પ્રોત્સાહિત કરી છે.મને કક્કો શીખવવા માટે પણ ખૂબ આગ્રહ કર્યો હતો પરંતુ મને એવું લાગ્યું કે હું જો ભણીશ તો આ બધું ભૂલી જઈશ. મારા માટે પુસ્તકો જ મારા ભગવાન છે,મારું સર્વસ્વ છે અને આજે મારી જે ઓળખ છે તે પુસ્તકો અને આ સાહેબોના કારણે છે. તેમનો જેટલો આભાર માનો એટલો ઓછો છે.અહીં સંસ્કૃત, હિન્દી,કચ્છી,ગુજરાતી, ઉર્દુ, સિંધી બધી જ ભાષાના પુસ્તકો છે. જુદી જુદી જગ્યાએ સ્ટોલ રાખવાના હોય ત્યારે પણ તેઓ સેવા આપે છે.
પુસ્તકોની વચ્ચે રહેતા ક્રિષ્ના બાને કયા પુસ્તકોમાં શું છે લખેલું હશે તે જાણવાની જિજ્ઞાસા ક્યારેય થઈ નથી. જાણે ગયા જન્મનો પુસ્તકો સાથેનો તેમનો સંબંધ હોય એ રીતે પુસ્તકોના આભામંડળમાં રહીને જાણે પુસ્તકોમાં રહેલા શબ્દો તેઓએ આત્મસાત કરેલા છે. પુસ્તક વિશેની વાત કરતા તેઓ લાગણીશીલ થઈ જાય છે આંખમાં આંસુ આવી જાય છે તેના પરથી જ તેમની પુસ્તક પ્રીતિ આપણને દેખાઈ આવે. આ જ રીતે ક્રિષ્ના બા પુસ્તકોને પ્રેમ કરતા રહે,વાચકોને પુસ્તકો આપતા રહે અને જે આનંદ તેઓ અનુભવે છે તે હર હંમેશ બમણોચાર ગણો થતો રહે એવી શુભેચ્છાઓ.
અક્ષરજ્ઞાન વગર પુસ્તક કઈ રીતે ઓળખી શકાય?
આ પ્રશ્નના જવાબમાં ક્રિષ્ના બા જણાવે છે કે સરસ્વતી દેવીની મારા પર બહુ કૃપા છે. ઘણીવાર કોઈ પુસ્તક જોઈતું હોય તો સરસ્વતીને યાદ કરું તો તરત જ એ પુસ્તક પાસે મને પહોંચાડી દે છે. મેં સરસ્વતી દેવીને ધૂળમાંથી બહાર કાઢ્યા તો મા સરસ્વતીએ પણ મને બહુ તાકાત આપી છે. ઘણી વખત પુસ્તકના રંગ મુજબ પણ યાદ રાખું અને ક્યારેક પુસ્તકના નામના અક્ષરો અથવા તો લેખકના નામના અક્ષરો ગણીને તેના પરથી પણ યાદ રાખું. મને પુસ્તક વાંચવા કરતા તેની સાચવણમાં ખૂબ આનંદ આવે છે. ઊંઘમાં પણ મને પુસ્તકો જ દેખાય છે.