ચૂંટણીઓ નજીક આવતા રાષ્ટ્રીય નેતાઓના સૌરાષ્ટ્રમાં આંટાફેરા
પાલિકા-મહાનગરપાલિકાની ચૂંટણીઓ પૂર્વે રાજકીય ધમધમાટ વધ્યો, 2027ની વિધાનસભાની ચૂંટણી મુખ્ય ટાર્ગેટ
વિસાવદર સીટ જીત્યા બાદ આમ આદમી પાર્ટી ફરી ફુલ ફોર્મમાં, કેજરીવાલે રાજકોટ અને ચોટીલા આવીને નરેન્દ્ર મોદીને નિશાન બનાવ્યા
જુનાગઢ પ્રેરણા ધામમાં પ્રશિક્ષણ શિબિરમાં મલ્લિકાર્જુન ખડગે, ભૂપેન્દ્રસિંહ બધેલ અને રાહુલ ગાંધી જેવા દિગ્ગજ નેતાઓની સૂચક હાજરી
કોંગ્રેસને જવાબ આપવા માટે હવે 20 મી એ નરેન્દ્ર મોદી ભાવનગરમાં સભા ગજવશે તો 22મીએ અમિત શાહ રાજકોટમાં સહકાર સંમેલનમાં હાજરી આપશે
આમ તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હજુ ઘણો સમય છે પરંતુ ડિસેમ્બરના અંતમાં રાજકોટ અમદાવાદ સુરત વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે અત્યારથી જ દિગ્ગજ નેતાઓએ સૌરાષ્ટ્રને નિશાન બનાવ્યું છે. છેલ્લા બે મહિનામાં સૌરાષ્ટ્રના પ્રવાસે અનેક રાષ્ટ્રીય નેતાઓ આવી ચૂક્યા છે અને આવી રહ્યા છે.ગુજરાતના રાજકારણમાં પોલિટિકલ લેબોરેટરી હંમેશા સૌરાષ્ટ્ર રહી છે. શહેરી વિસ્તારોના મત ભારતીય જનતા પાર્ટીને મળતા હોય છે, પરંતુ આજે પણ ગ્રામીણ સીટ ઉપર કોંગ્રેસ તેમજ અન્ય પાર્ટીઓને આશા દેખાતી હોય છે.
2017 ની ચૂંટણીમાં પણ હાર્દિક પટેલનું ફેક્ટર કોંગ્રેસને ફળદાયી નીવડ્યું હતું. બલ્કે વિજય રૂૂપાણી ની સરકાર માંડ માંડ બહુમતી મેળવી શકી હતી.હવે જ્યારે મહાનગરપાલિકાની સ્થાનિક ચૂંટણીઓ તેમજ વિધાનસભાની ચૂંટણીઓને લઈને રાજકીય પાર્ટીઓનું ગુજરાતની ઉપર ફોકસ છે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ તો સૌરાષ્ટ્રને નિશાન બનાવી જ રહ્યું છે પરંતુ હવે ભાજપ પણ મેદાને આવ્યું છે અને પહેલા નોરતે ખુદ ગૃહ મંત્રી અમિત શાહ રાજકોટમાં સહકાર સંમેલન ગજવવા માટે આવી રહ્યા છે.
આમ જોઈએ તો વિસાવદર ની સીટ ઉપર આમ આદમી પાર્ટીની ઐતિહાસિક જીત બાદ સૌરાષ્ટ્રમાં રાજકારણના સમીકરણો બદલાયા છે. ગોપાલ ઇટાલીયાની લડાયક લીડરશીપને કારણે આમ આદમી પાર્ટીને પણ નવું ઓક્સિજન મળ્યું છે. હવે કોઈપણ સીટ ઉપર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વિસાવદર વાળી અહીં પણ થશે તેવું કહેતા થઈ ગયા છે.
હવે ગુજરાતના રાજકારણમાં ફરી એક વખત અરવિંદ કેજરીવાલની એન્ટ્રી પણ થઈ છે. ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એ ભાજપની સામે લડવા માટે એડી ચોટી નું જોર કર્યું હતું.. આ વખતે પણ અરવિંદ કેજરીવાલે અમેરિકા થી આયાત થતા કપાસ પર 11% ઈમ્પોર્ટ ડ્યુટી રદ કરવાની નરેન્દ્ર મોદી સરકારની જાહેરાતને લઈને ખેડૂતો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે. કેજરીવાલે ચોટીલા પંથકમાં ખેડૂત મહાપંચાયત પણ બોલાવી હતી પરંતુ વરસાદને કારણે કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો.
કેજરીવાલ ની પાર્ટી તો મેદાનમાં આવી છે પરંતુ હવે કોંગ્રેસે પણ સૌરાષ્ટ્રમાં દેરા તંબુ તાણ્યા છે.
જૂનાગઢના પ્રેરણા ધામ ખાતે હાલ કોંગ્રેસના તમામ જિલ્લા પ્રમુખો માટે પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તો આવ્યા પરંતુ રાહુલ ગાંધીએ પણ મુલાકાત કરીને કોંગ્રેસને બેઠી કરવાનો પ્રયત્ન કર્યો છે. રાહુલ ગાંધી 18મી સપ્ટેમ્બરે ફરી એક વખત જુનાગઢ આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસના તમામ પ્રમુખોનું એક રિપોર્ટ કાર્ડ તૈયાર કરવામાં આવ્યું છે. આ કાર્ડના હિસાબો પણ રાહુલ ગાંધી સમક્ષ મૂકવામાં આવશે.
સૌરાષ્ટ્રના રાજકારણમાં પહેલી વખત એવું બન્યું હશે કે રાહુલ ગાંધી જેવા દિગ્ગજ નેતા માત્ર છ દિવસની અંદર બબ્બે વખત એક જ શહેર જૂનાગઢની મુલાકાત લઈ રહ્યા છે.
કોંગ્રેસને આશા છે કે ગીર પંથકની ધારાસભા સીટ ઉપર કોંગ્રેસ હજુ પણ મેદાન મારી શકે તેમ છે. જૂનાગઢમાં ચાલી રહેલી શિબિરમાં છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભુપેન્દ્રસિંહ બધેલ પણ આવ્યા હતા.
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જ્યારે સક્રિય બની છે ત્યારે ભાજપ પણ કેમ પાછળ રહે. આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબી આવી રહ્યા છે અને અનેક કાર્યક્રમમાં ભાગ લેશે તો બીજી બાજુ ભાવનગર ખાતે પણ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો રોડ શો તેમજ જાહેર સભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ભુજમાં ઓપરેશન સિંદૂર ની કામયાબી બાદ ભવ્ય રોડ શો અને સભા કર્યા બાદ નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત આવી રહ્યા છે.
નરેન્દ્ર મોદીની સભા પૂરી થયાના બે દિવસ બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ રાજકોટ આવી રહ્યા છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં તેઓ સહકાર સંમેલનમાં ઉપસ્થિત રહેશે. ભારત સરકાર દ્વારા સહકારીતાનું નવું મંત્રાલય શરૂૂ કરવામાં આવ્યા બાદ અમિત શાહ સહકારી ક્ષેત્રના અનેક સંમેલનો કરી ચૂક્યા છે તેના ભાગરૂૂપે રાજકોટમાં સૌથી મોટું સહકાર સંમેલન બોલાવવામાં આવી રહ્યું છે જેમાં એક લાખની મેદની ભેગી થવાનો પ્રાથમિક અંદાજ મૂકવામાં આવ્યો છે.
સ્વાભાવિક છે કે ગુજરાતના રાજકારણમાં અત્યારથી જ દરેક પાર્ટીના નેતાઓ પોતપોતાની પાર્ટીની પોલીસી મુજબ મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહી છે. સમય આવ્યા મતદારો શું નિર્ણય લે છે તે જોવું રહ્યું.
આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે: કોંગ્રેસ
ગુજરાતની કોઈપણ ચૂંટણીમાં ત્રીજો પક્ષ ક્યારેય ફાવ્યો નથી અનેક વખત અનેક રાજકીય પાર્ટીઓ દ્વારા ગુજરાતમાં એન્ટ્રી કરવાનો પ્રયાસ થયો છે. પરંતુ ગુજરાતના રાજકારણમાં હંમેશા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર રહી છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પગ પેસારો કરવાનો મજબૂત પ્રયાસ કર્યો હતો. તેના ભાગરૂૂપે કેટલીક સીટો ઉપર જીત પણ મેળવી હતી. હવે જ્યારે ફરી એક વખત આમ આદમી પાર્ટી વિધાનસભાની ચૂંટણીની અત્યારથી જ તૈયારી કરી રહી છે ત્યારે કોંગ્રેસે આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ હોવાનું રટણ ચાલુ કરી દીધું છે. કોંગ્રેસ માની રહી છે કે જે રીતે અરવિંદ કેજરીવાલને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે તે જોતા આમ આદમી પાર્ટી ભાજપનું કામ કરે તેવી શક્યતા છે.
છેલ્લા 7 મહિનામાં છઠ્ઠી વખત ગુજરાત આવશે રાહુલ ગાંધી
આમ તો ગુજરાત હમેશા ભાજપનું ગઢ રહ્યું છે પરંતુ લોકસભાના વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના રાજકુંવર રાહુલ ગાંધી ફરી એક વખત જુનાગઢ આવી રહ્યા છે. 12 તારીખે જૂનાગઢમાં ચાલી રહેલી પ્રશિક્ષણ શિબિરમાં ઉપસ્થિત રહ્યા બાદ ફરી એક વખત રાહુલ ગાંધી 18મી એ અહીં જુનાગઢ આવી રહ્યા છે. છેલ્લા સાત મહિનામાં રાહુલ ગાંધીની આ છઠ્ઠી ગુજરાત મુલાકાત હશે. આપેલા તેઓ અમદાવાદ આણંદ સહિતના શહેરોમાં મુલાકાત લઈ ચૂક્યા છે. જૂનાગઢમાં તેઓ ફરી પ્રશિક્ષણ શિબિરના સમાપનમાં આવી રહ્યા છે. રાહુલ ગાંધીએ ગુજરાતમાં કોંગ્રેસને જીતાડવાનો સંકલ્પ કર્યો છે ત્યારે છેલ્લા સાત મહિનામાં તેમની આ છઠ્ઠી મુલાકાત બની રહેશે.