પાટડી તાલુકામાં ખેતરોમાં નર્મદા નીર ફરી વળ્યા
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં નર્મદા કેનાલના પાણીએ ખેડૂતો માટે મુશ્કેલી ઊભી કરી છે. કમાલપુર ગામના ખેતરોમાં કેનાલનું પાણી ફરી વળતાં 500થી વધુ વીઘા જમીનમાં ઊભા પાકને નુકસાન થયું છે.
આ નુકસાનની રકમ આશરે બે કરોડ રૂૂપિયા હોવાનું અંદાજવામાં આવ્યું છે. કમાલપુર ગામના ખેડૂતોએ આ મુદ્દે દસાડા-લખતરના ધારાસભ્ય પી.કે.પરમાર અને પાટડી મામલતદારને રજૂઆત કરી છે.
ખેડૂત આગેવાન રાજુભાઈ રામાનુજે જણાવ્યું કે કેનાલના પાણીથી ઊભા પાકનો સોથ વળી ગયો છે.
નર્મદા કેનાલ જે સુરેન્દ્રનગર જિલ્લા માટે વરદાન સમાન છે, તે કમાલપુર ગામ માટે આફત બની છે. દસાડા તાલુકાના 89માંથી 87 ગામોમાં નર્મદાનું પાણી પહોંચ્યું છે. પરંતુ કમાલપુરમાં એક તરફ ચોમાસું અને બીજી તરફ કેનાલના પાણીએ ખેડૂતોની સ્થિતિ વધુ કફોડી બનાવી છે.
ધારાસભ્ય પી.કે.પરમારે જણાવ્યું કે સંકલન બેઠકમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. નર્મદા વિભાગના અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. ખેડૂતોની સમસ્યાનું જલદી નિરાકરણ લાવવા માટે તંત્ર દ્વારા પ્રયાસો શરૂૂ કરવામાં આવ્યા છે.