નરેશ પટેલ ખોટી ઓડિયો ક્લિપનો કોઇ જવાબ નહીં આપે
જીગિશા પટેલ પોતે પણ બદનામ થાય છે, તેમણે પોલીસ ફરિયાદ નોંધાવવી જોઇએ: ખોડલધામ ટ્રસ્ટના પ્રવક્તાનું નિવેદન
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલને બ્લેકમેઇલીંગ અંગેની કથિત ઓડીયોકિલપ અંગે અંતે ખોડલધામ ટ્રસ્ટના પ્રવકતા હસમુખ લુણાગરીયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અને આવી આધાર વગરની ઓડીયો કિલપ અંગે નરેશભાઇ કોઇ જવાબ આપશે નહીં તેવું જણાવ્યું છે.
પાટીદાર અગ્રણી નરેશભાઇ પટેલને બદનામ કરવાના મામલે બન્ની ગજેરા અને જિગીષા પટેલની કથિત સંડોવણી અંગે ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરીયાએ આ ઘટનાને ખૂબ જ નિંદનીય ગણાવી છે. તેમણે જણાવ્યું હતું કે, નરેશ પટેલ સમાજ માટે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે ત્યારે તેમને બદનામ કરવાનો આ હીન પ્રયાસ છે. લુણાગરીયાએ ઉમેર્યું હતું કે, બન્ની ગજેરા અને જિગીષા પટેલની ઓડિયો ક્લિપ સામે આવ્યા બાદ ખોડલધામ સાથે જોડાયેલા અનેક યુવાનોના ફોન આવ્યા હતા. આ ઉપરાંત, પાટીદાર સમાજ સહિત અનેક સમાજના યુવાનોમાં પણ આ ઘટનાને લઈને રોષ જોવા મળી રહ્યો છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, નરેશ પટેલ સ્વચ્છ છબી ધરાવે છે અને સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે ત્યારે તેમને બદનામ કરવા માટે આવી પ્રવૃત્તિ ન થવી જોઈએ.
જિગીષા પટેલના એ નિવેદન અંગે કે આ એઆઇ દ્વારા બનાવવામાં આવેલી ઓડિયો ક્લિપ છે, લુણાગરીયાએ સૂચન કર્યું હતું કે, જો આવું હોય તો જિગીષા પટેલે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવી જોઈએ. તેમણે કહ્યું કે, જો જિગીષા પટેલ પોતે પણ આમાં બદનામ થાય છે, તો તેમને આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. જેના કારણે ખરેખર આ ઓડિયો ક્લિપ કોના દ્વારા અને કયા કારણોસર વાયરલ કરવામાં આવી છે, તે સામે આવી શકે છે. આ સમગ્ર ઘટનાને લઈ રાજકોટ સહિત પાટીદાર સમાજમાં ભારે ચર્ચા જાગી છે.