ઇટાલિયા-અમૃતિયાને પાંચ વર્ષ ધારાસભ્ય રહી લોકોના કામ કરવા નરેશ પટેલની સલાહ
લોકપ્રિય બનવા માટે સોશિયલ મીડિયામાં વિવાદ ઉભો કરવાના બદલે કાર્યો પર ધ્યાન આપો
મોરબીનાં ભાજપનાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને વિસાવદરમાથી તાજેતરમા ચૂંટાયેલા આમ આદમી પાર્ટીનાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વચ્ચે રાજીનામા આપી સામ સામે ચૂંટણી લડવાનાં થઇ રહેલા હાકલા - પડકારા વચ્ચે ખોડલધામ ટ્રસ્ટનાં ચેરમેન નરેશ પટેલે પોતાનો મત વ્યકત કર્યો છે.
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે ઇટાલિયા-અમૃતિયાને ટકોર કરી કે તમે ધારાસભ્ય તરીકે 5 વર્ષ પૂરા કરો. કારણ વગર સોશિયલ મીડિયામાં વિવાદ ઉભો ના કરો. પરંતુ સ્થાનિક સ્તરે ઉઠતાં લોકોના પ્રશ્નો હલ કરવા પ્રયાસ કરો. લોકપ્રિય બનવા સોશિયલ મીડિયામાં વિવાદ ઉભો કરવાના બદલે સમાજના કાર્યો કરવા પર ધ્યાન આપો. સમાધાન માટે પ્રશ્ન આવશે તો હું નિરાકરણ લાવવા ચોક્કસ પ્રયત્ન કરીશ. જે લોકો સારા કામ કરે છે તેમના કામમાં રોડા ના નાખો.
ગોપાલ ઇટાલિયાને લઈને કરવામાં આવેલ આ ટકોર બાદ જ્યારે નરેશ પટેલને પૂછવામાં આવ્યું કે શું તેઓ આપ પાર્ટીમાં જોડાવાના છે. ત્યારે તેમણે કહ્યું કે મેં 2022 મા પણ સ્પષ્ટતા કરી હતી અને અત્યારે ફરી કહું છું કે હું રાજકારણમાં નહી જોડાઉ. જો કે 2002માં ચૂંટણીની તૈયારીઓ વચ્ચે મીડિયા સાથેની વાતચીતમાં આપ નેતા ગોપાલ ઈટાલિયા એ કહ્યું હતું કે નરેશ પટેલના વિચારો પ્રમાણેની ગુજરાતમાં એક જ પાર્ટી છે એ છે આમ આદમી પાર્ટી છે. નરેશ ભાઈની વાત અને તેમણે ઉપાડેલા કાર્યોને અમે તનમનધનથી પૂર્ણ કરવા પ્રયાસ કરીશું. આપ પાર્ટી નરેશ પટેલને લાવવા ઇચ્છતી હોવાનું સ્પષ્ટ થયું હતું.