હિરાસર ઇન્ટરનેશનલ અરેપોર્ટને વિજય રૂપાણીનું નામ આપો: જય વસાવડા
રાજકોટ સાથેની યાદ કાયમી જાળવી રાખવા જાણીતા લેખક જય વસાવડાનું સૂચન
અમદાવાદ ખાતે ઘટેલી ગોઝારી વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂૂપાણીનું નિધન થયું હતુ. જે બાદ DNA મેચ થતાં ગત સોમવારે રાજકોટ ખાતેથી તેમની અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં રાજકોટ સહિત રાજ્યભરના લોકો અને રાજકીય અગ્રણીઓ જોડાયા હતા અને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
એવામાં જાણીતા લેખક જય વસાવડાએ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું નામ સ્વ. વિજય રૂૂપાણીના નામે રાખવાનું સૂચન કર્યું છે. જય વસાવડાએ જણાવ્યું કે, રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને સ્વર્ગસ્થ વિજયભાઈ રૂૂપાણીનું નામ આપવું જોઈએ. વિજયભાઈ રૂૂપાણીએ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે અથાક પ્રયાસો કર્યા હતા. તેઓ જ્યારે મુખ્યમંત્રી પદે હતા, ત્યારે જ રાજકોટને નવું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મળ્યું હતું. આ એરપોર્ટ પાછળ તેમની સઘન મહેનત અને દ્રષ્ટિનો મોટો ફાળો છે. આથી હવે આ એરપોર્ટને સ્વર્ગસ્થ વિજયભાઈ રૂૂપાણીનું નામ આપીને તેમને સાચી શ્રદ્ધાંજલિ આપવી જોઈએ અને તેમના યોગદાનને કાયમ માટે યાદ રાખવું જોઈએ.
પોતાની રજૂઆતમાં વીડિયોના માધ્યમથી લેખકે જણાવ્યું કે, રાજકોટના એક નાગરિક તરીકે મારે એક વાત કહેવી છે. હું પોતે અગાઉ લખી ચૂક્યો છું કે, રાજકોટમાં જે નવું એરપોર્ટ બન્યું છે, તેને હીરાસર એરપોર્ટ લખવામાં આવે છે, કારણ કે હીરાસર ગામ છે. જ્યાંથી ચોટીલા ખૂબ જ નજીક છે. આથી હીરાસર રાજકોટ એરપોર્ટ એવું લખાય, તેની જગ્યાએ આપણે ઝવેરચંદ મેઘાણીનું નામ મળે, તો કોઈ સારસ્વતના નામે એરપોર્ટનું નામ થયું હોય તેવું લાગે.
આમ તો ગાંધીજીથી માંડીને દયાનંદ સરસ્વતી સુધીના નામો રાજકોટ સાથે જોડાયેલા છે. જો કે કેશુભાઈ પટેલ અને વિજય રૂૂપાણી બે એવા વ્યક્તિત્વો છે, જે રાજકોટમાંથી આગળ આવીને ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. વિજય રૂૂપાણીનું રાજકોટના વિકાસનું ખાસ સપનું હતુ અને એમણે એમની દેખરેખ નીચે પુરું કરાવવાની કોશિશ કરેલી.હજુ સુધી તેનું નામકરણ નથી થયું, તો રાજકોટ એરપોર્ટનું નામ વિજયભાઈ રૂૂપાણી એરપોર્ટ પણ કરી શકાય.એવું મારું વિનમ્ર સૂચન છે. આ રીતે રાજકોટ વિજયભાઈને યાદ કરે. વિજયભાઈને રાજકોટ અત્યંત ગમતું હતુ.તેઓ રાજકોટના જ થઈને રહ્યા. મુખ્યમંત્રી થયા બાદ પણ તેમણે એમનું ઘર રાજકોટમાં જ રાખ્યું. જેના કારણે રાજકોટ સાથે તેમનું કનેક્શન છે, તે કાયમી થઈ જાય.