નલિયા સેક્સકાંડના આરોપીઓનો છૂટકારો: પોલીસ, નેતાઓ ઢાંકપીછોડો કરવામાં સફળ
ગુજરાતના રાજકારણમાં એક સમયે ખળભળાટ મચાવી દેનારા કચ્છના નલિયા સેક્સ સ્કેન્ડલનો કેસમાં ચુકાદો આવી ગયો અને આ કેસમાં કોર્ટે તમામ 8 આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે. નલિયા કેસનો ચુકાદો એન્ટિ-ક્લાઈમેક્સ જેવો છે ને આ ચુકાદાનો અર્થ એ થાય કે, આખા ગુજરાતને ખળભળાવી દેનારો નલિયા સેક્સકાંડ બન્યો જ નહોતો! આ આરોપીઓ સામે અબડાસા-નલિયામાં કામ કરતી અને મૂળ મુંબઈની યુવતીએ 2017ના જાન્યુઆરીમાં નલિયા પોલીસ મથકે ગેંગ રેપની ફરિયાદ નોંધાવી હતી. યુવતીએ જેમનાં નામ ફરિયાદમાં આપ્યાં તેમાં ભાજપના કેટલાક નેતા પણ હતા. યુવતીએ પોતાની ઉપર ઓગસ્ટ-2015થી નવેમ્બર-2016 દરમિયાન 65 લોકો દ્વારા સામૂહિક બળાત્કાર ગુજારાયો હોવાનો આક્ષેપ કર્યો હતો. ભાજપના નેતાઓ સહિત 10 લોકોએ પોતાને હવસનો શિકાર બનાવી હોવાની ફરિયાદ યુવતીએ નોંધાવતા ગુજરાતમાં ચકચાર મચી ગઈ હતી. પ્રથમ પોલીસ ફરિયાદ દાખલ થયા બાદ તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ રચાઇ હતી. આ ટીમે 9 આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે કર્યા હતા અને તમામ સામે ચાર્જશીટ રજૂ કરી હતી.
આ કેસમાં રાજ્ય સરકારે ખાસ સરકારી વકીલની પણ નિમણૂક કરી હતી પણ કોર્ટમાં યુવતી જ ફરી જતાં ભુજની સેશન્સ કોર્ટે તમામ આરોપીને છોડી મૂક્યા છે. અદાલત પુરાવાના આધારે ચુકાદા આપતી હોય છે ને આ કેસમાં તો ફરિયાદ કરનારી યુવતી જ પાણીમાં બેસી ગઈ તેથી કોર્ટના ચુકાદા વિશે કોઈ ટિપ્પણી કરવાનો મતલબ નથી પણ આ કેસે ભારતમાં સમરથકો નહીં દોષ ગુંસાઈ એ નિયમ ચાલે છે એ ફરી સાબિત કર્યું છે. ભવિષ્યની ખબર નથી પણ ભૂતકાળમાં તો નલિયા સેક્સ સ્કેન્ડલ જેવો સ્કેન્ડલ ગુજરાતમાં બીજો બન્યો નથી. ગેંગ રેપની ફરિયાદ કરનારી યુવતીએ જે આક્ષેપો કર્યા હતા એ પ્રકારના આક્ષેપો કદી થયા નહોતા ને જે રીતે ગુજરાતના રાજકારણનાં ઘણાં મોટા માથાની સંડોવણીની વાતો ચાલી એવી વાતો પણ કદી નહોતી ચાલી.
વાસ્તવમાં અદાલતે યુવતી ફરી ગઈ એ સંજોગોમાં તેની સામે કાર્યવાહી કરવાની જરૂૂર હતી. તેની ફરિયાદના કારણે આટલી બધી ધમાલ, સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના ને જ્યુડિશિયલ કમિશન પાછળ પૈસાનું પાણી કર્યા પછી યુવતી પોતાના પર રેપ થયો જ નથી એવું કહે એ ન્યાયની મજાક કહેવાય. કોર્ટે ન્યાયની આવી મજાક ચલાવવા જેવી નહોતી.