નાગરિક બેંકે હાઇકોર્ટના ચુકાદા અંગે જુઠ્ઠાણું ફેલાવ્યું
ચુકાદામાં કયાંય લકઝરી પિટિશનનો ઉલ્લેખ નથી અને ચૂંટણી રોકવા દાદ ન માગી હોવા છતાં સભાસદોને ગેરમાર્ગે દોર્યા
નાગરિક બેંક દ્વારા માધ્યમોમાં આપવામાં આવેલી પ્રેસનોટ હાઇકોર્ટના ચુકાદાથી વિપરીત તેમજ વિશાળ સભાસદ ગણ સહિતનાઓને ગેરમાર્ગે દોરનારી છે. હાઇકોર્ટ દ્વારા જે પ્રકારનો ચુકાદો આપવામાં આવ્યો છે તેનાથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ચૂક્યું હોઈ તે માફક બેંક પર કબજો જમાવીને બેઠેલી ટોળકીનો વધુ એક વખત પર્દાફાશ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ દ્વારા જે પ્રેસનોટ રિલીઝ કરવામાં આવી હતી. તેમાં જણાવવામાં આવ્યું હતું કે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરનાર અરજદારનો હેતુ લક્ઝરી લીટીગેશન ઉભો કરવાનો જ દેખાય છે. જ્યારે કે નામદાર હાઇકોર્ટ દ્વારા જે હુકમ આપવામાં આવ્યો છે. તેમાં કોઈપણ જગ્યાએ અરજદારનો હેતુ લક્ઝરી લીટીગેશન ઉભો કરવાનો હોય તેવો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો.
તેમજ બેંકની પ્રેસનોટમાં લખવામાં આવ્યું છે કે હિયરિંગ દરમિયાન અરજદારોની દલીલો સાંભળીને તેમાં કોઈપણ જાતનું તથ્ય ન જણાતા અરજદારોની ઝાટકણી કાઢી ચૂંટણી સામે કોઈ પણ જાતનો મનાઈ હુકમ આપેલું નથી. પરંતુ અરજદાર દ્વારા ચૂંટણી ટાળવા માટે મનાઈ હુકમની માંગણી જ નામદાર હાઇકોર્ટ સમક્ષ કરવામાં નહોતી આવી.
અરજદારની એકમાત્ર માગણી નામદાર હાઇકોર્ટ સમક્ષ બેંકના પ્રવર્તમાન રહેલા તમામ સભાસદોને તેમના મતાધિકારનો તેમજ બેંકની ચૂંટણીમાં ઉમેદવારી કરવાનો અધિકાર મળી શકે તેનો જ છે.
બેંકના કેટલાક નીડર સભાસદોએ પોતાના 3,37,000 સાથી સભાસદો તેમજ બેંકના હિત માટે હાઇકોર્ટમાં જે ન્યાયની દાદ માંગી હતી તે કોર્ટ મારફતે સ્વીકારવામાં આવેલી છે.
તેમજ આગામી સુનાવણી 3 ડિસેમ્બર 2024 ના રોજ નામદાર હાઇકોર્ટ દ્વારા નિયત કરવામાં આવી છે. છેલ્લા કેટલાંક વર્ષોથી સ્કેમ, કૌભાંડમાં મોટા માથાઓની સંડોવણી, સ્વાર્થ અને સત્તા લાલશા, ગેરવહીવટ, સંગઠિત પ્રકારના આર્થિક આપરાધો વિગેરે અનેક દુષણોએ બેન્કને કેન્સર કે ઉધઈ લગાડી દીધેલ છે. ખૂર્શીનો મોહ તે ટોળકીને જીવ કરતા પણ વધારે વ્હાલો છે તે હવે જાહેર જનતા જાણે જ છે. હાઇકોર્ટે માત્ર એક લાઇનનો ઓર્ડર કરેલ છે જે મુજબ રૂૂલ રિટર્નેબલ ઓન ડેઈટ 3-12-2024 છે. એવુ નાગરિક બેંક બચાવો સમિતિ વતી મહામંત્રી વિબોધ દોશી અને ક્ધવીનર ખેંગાર યોગીની સંયુકત યાદીમાં જણાવાયું છે.