મોટાભાઈ સાથે કારમાં ગયેલા કારખાનેદારનું ભેદી મોત
સંસ્કાર સીટીના કારખાનેદાર મોટાભાઈ સાથે રામધણ આશ્રમ તરફ શા માટે ગયા ? તે અંગે તપાસ, હેમરેજનો રિપોર્ટ
શહેરના મવડી પ્લોટમાં સંસ્કાર સિટીમાં રહેતા 38 વર્ષિય યુવા કારખાનેદારનું તેમના મોટાભાઈ સાથે કારમાં રામધણ આશ્રમ પાસે ભેદી સંજોગોમાં મોત થતાં રહસ્યના આટાપાટા સર્જતા આ બનાવમાં પોલીસે તપાસ શરૂ કરી છે. મોટાભાઈ સાથે પોતાની કારમાં બેઠેલા કારખાનેદારને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. ફોરેન્સીક પોસ્ટ મોર્ટમમાં માથામાં ઈજા થવાથી મોત થયાનો તબીબોએ અભિપ્રાય આપ્યો છે. ત્યારે આ મામલો હત્યાનો છે કે ? આકસ્મીક મોતનો ? તે મામલે તાલુકા પોલીસ તપાસ ચલાવી રહી છે. 38 વર્ષિય યુવાન કારખાનેદારનું તેની જ કારમાં મોત થયું ત્યારે આ કારની ડ્રાઈવીંગ સીટ પર તેના મોટા ભાઈ બેઠા હોવાનું જાણવા મળ્યું છે.
મળતી વિગતો મુજબ, શહેરના મવડી પ્લોટમાં સંસ્કાર સિટીમાં રહેતા અને કારખાનું ચલાવતાં 38 વર્ષિય ધર્મેન્દ્ર છગનભાઈ રૈયાણીને ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં રાત્રે 11 વાગ્યે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. ઈજાગ્રસ્ત હાલતમાં બેભાન અવસ્થામાં સારવાર માટે દાખલ કરાયેલા ધર્મેન્દ્ર રૈયાણીનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. યુવા કારખાનેદારના મોતનું કારણ જાણવા ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવ્યું હતું. જેમાં તબીબોએ માથામાં ઈજા હોવાનો અભિપ્રાય આપ્યો હતો.
આ મામલે તાલુકા પોલીસ મથકના પીઆઈ હરીપરા સહિતના સ્ટાફે હાલ પ્રાથમિક તપાસ કરતાં ઈજાગ્રસ્ત મળેલા ધર્મેન્દ્ર રૈયાણીના રહસ્યમ્ય મોતમાં પરિવારજનોના નિવેદનો લેવા તજવીજ હાથ ધરાઈ છે. મૃતક ધર્મેન્દ્ર રૈયાણી બે ભાઈમાં નાના હતાં અને તેમને સંતાનમાં બે દિકરી હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળતી માહિતી મુજબ, ધર્મેન્દ્રભાઈ પોતાના મોટાભાઈ પ્રશંસા રૈયાણી સાથે તેની જ કારમાં રામધણ આશ્રમ પાસે હતાં ત્યારે તે ગાડીમાંથી પડી ગયા હોય અને તેમને ઈજા થયાનું તેમના મોટાભાઈ પ્રશાંત રૈયાણીએ જણાવ્યું હતું. જો કે પોલીસને પ્રશાંત રૈયાણીએ આપેલી માહિતીમાં કશુ છુપાવતાં હોવાનું લાગી રહ્યું છે. 38 વર્ષિય કારખાનેદાર કારમાંથી પડી ગયા અને તેનું મોત થયું તે વાત પોલીસના ગળે ઉતરતી નથી અને બીજી તરફ તબીબોએ માથામાં ઈજા થઈ હોવાનો અભિપ્રાય આપ્યો છે ત્યારે આ રહસ્યમ્ય બનાવનો ભેદ ઉકેલવા પોલીસે સીસીટીવી ફુટેજ ઉપર તપાસ કેન્દ્રીત કરી છે.