કેન્સરમાંથી વધુ લોકોને સાજા કરી શકું એ જ મારી સફળતા
રાજકોટમાં એક સમયે સુપર સ્પેશિયાલિટી અને સર્જિકલ સુપર સ્પેશિયાલિટીમાં મહિલાઓની સંખ્યા જૂજ હતી જેમાંના એક એટલે ડો.ખ્યાતિ વસાવડા
કેન્સર પેશન્ટ સર્જરી બાદ જમતાં,બોલતાં અને પાછા નોર્મલ લાઇફ જીવી શકે તે માટેની આંતરરાષ્ટ્રીય કક્ષાની કોમ્પ્રીહેન્ઝીવ કેર પૂરી પાડવાનું સ્વપ્ન છે ડો.ખ્યાતિ વસાવડાનું
‘મેં 22 વર્ષના યુવાનની કેન્સર સર્જરી કરી છે, તો બ્રેસ્ટ ફીડિંગ કરતા નવ મહિનાના બાળકની માતાના ચોથા સ્ટેજના બ્રેસ્ટ કેન્સરની સારવાર પણ કરી છે અને સાત મહિનાની પ્રેગનન્સી સાથે આવેલ યુવતીની કેન્સરની સારવાર પણ કરી છે. કેન્સર શબ્દ જ માણસને ગભરાવી મૂકે છે ત્યારે મેં જે મેડિકલ ક્ષેત્રે નોલેજ મેળવ્યું છે તેના દ્વારા હું કેન્સર પેશન્ટની જિંદગી સુધારી શકું તેનાથી વધુ સારું શું હોઈ શકે? ભગવાને મને અહીં સુધી પહોંચાડીને એમસીએચ કરાવ્યું છે તો મારી પાસે એટલી આવડત અને મેડિકલ જ્ઞાન છે કે હું કોઈની લાઈફ સુધારી શકું. મારા માટે સફળતાની વ્યાખ્યા એ છે કે હું કેટલા લોકોને સર્જરી કે ટ્રીટમેન્ટ દ્વારા સાજા કરી શકું છું.’ આ શબ્દો છે રાજકોટ કેન્સર સોસાયટી નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલમાં હેડ એન્ડ નેક કેન્સર સર્જન અને મેડિકલ ડાયરેક્ટર ડો.ખ્યાતિ વસાવડાના.
તેઓનો જન્મ,ઉછેર અને અભ્યાસ રાજકોટમાં થયો.પિતાજી પ્રો.કમલેશભાઈ જાનીની ઇચ્છા પૂર્ણ કરવા ડોક્ટર બનેલ ખ્યતિબેને શાળાકીય અભ્યાસ સિસ્ટર નિવેદિતા સ્કૂલ અને ધોળકિયા સ્કૂલમાં કર્યો ત્યારબાદ રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજમાં એમએસ અને એમબીબીએસ કર્યું એ દરમિયાન રાજકોટના ખ્યાતનામ સર્જન ડો .હેમાંગ વસાવડાના પુત્ર અને જાણીતા ન્યુરોસર્જન ડો.હાર્દ વસાવડા સાથે લગ્નગ્રંથિથી જોડાયા.પરિવારના સભ્યો સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર છે એ જ રીતે ખ્યાતિબેને પણ પતિની પ્રેરણાથી કોચીનમાં અમ્મા આનંદમયી અમૃતા હોસ્પિટલમાંથી હેડ એન્ડ નેક સર્જરીની ડીગ્રી મેળવી. એ સમયે રાજકોટમાં સુપર સ્પેશિયાલિટી અને સર્જિકલ સુપર સ્પેશિયાલિટીમાં મહિલાઓની સંખ્યા જૂજ હતી જેમાંના એક એટલે ડો.ખ્યાતિ વસાવડા.
કેન્સર વિશે તેઓએ જણાવ્યું કે, ‘અમેરિકા અને ઇન્ડિયન સ્ટાન્ડર્ડની સરખામણી કરીએ તો અમેરિકામાં જે કેન્સર 50 થી 60 વર્ષની ઉંમરે થાય છે તે ભારતમાં 30 થી 40 વર્ષની ઉંમરમાં થાય છે.તા.27 જુલાઈ 2023-24ના ટાટા મેમોરિયલ હોસ્પિટલ દ્વારા જાહેર કરેલ આંકડા મુજબ સમગ્ર ભારતમાં એક કલાકમાં એક વ્યક્તિનું મૃત્યુ ગાલ ગલોફાના કેન્સરના કારણે થાય છે. સૌરાષ્ટ્રમાં પણ આ કેન્સરની સંખ્યા વધુ છે તેનું કારણ તમાકુનું વ્યસન છે.’
છેલ્લા બે વર્ષની મેડિકલ પ્રેક્ટિસમાં હેડ એન્ડ નેક ઓન્કોસર્જરીમાં 2000 જેટલા ઓપરેશન કર્યા છે.એક ડોક્ટર તરીકે તેઓ ખૂબ જ મજબૂત અને આત્મવિશ્વાસથી સભર વ્યક્તિત્વ ધરાવે છે પરંતુ જ્યારે કોઈ સંવેદનશીલ અને કોમ્પ્લિકેટેડ કેસ હોય કે નાની ઉંમરના પેશન્ટ હોય ત્યારે તેઓ પણ લાગણીશીલ બની જાય છે.તેઓ જણાવે છે કે, ‘આ કામ એનર્જી ક્ધઝયુમિંગ છે.ડોકટર પણ માણસ જ છે.સવારે 9 થી સાંજે 6 સુધી હોસ્પિટલમાં ફરજ બજાવ્યા બાદ ઘરે જઈને 8 વર્ષના દીકરા અને પરિવાર સાથે સમય પસાર કરીને તથા અન્ય પ્રવૃત્તિમાં વ્યસ્ત રહીને મારી જાતને ફ્રેશ રાખું છું.પરિવારના સાથના કારણે દીકરાની અને પ્રોફેશનની જવાબદારી સારી રીતે નિભાવી શકું છું.આ ઉપરાંત પતિનો પ્રેમ અને પ્રોત્સાહન આગળ વધવાનું બળ પૂરું પાડે છે.’
નાની બહેનને માર્ગ અકસ્માતમાં ગુમાવી તે ક્ષણ તેઓના જીવનમાં પડકાર ભર્યો સમય હતો.બહેનની વિદાય,એ જ સમયે સાસુની તબિયત બગડી,પોતાનો અભ્યાસ ચાલુ અને માતાપિતાને આ આઘાતમાંથી બહાર કાઢવા વગેરે પરિસ્થિતિ એક સાથે આવી પડી એ સમય તેઓ ક્યારેય નહી ભૂલે. એ સમયે પતિના મજબૂત સાથના કારણે જ પરિસ્થિતિમાંથી બહાર આવી શક્યા.
છેલ્લા બે વર્ષથી કેન્સર હોસ્પિટલનું ખૂબ સુંદર સંચાલન અને વ્યવસ્થા સંભાળવા સાથે અનેક ગંભીર સર્જરી કરી પેશન્ટને કેન્સર મુક્ત કરનાર ડો.ખ્યાતિ વસાવડાનું સ્વપ્ન છે કે હેડ એન્ડ નેક સર્જરીમાં રોબોટિક્સને એક્સપાન્ડ કરવું તેમજ કેન્સર પેશન્ટને આંતરરાષ્ટ્રીય કક્ષાની કોમ્પ્રીહેન્ઝીવ કેર આપવી. ફક્ત ઓપરેશન કરીને સારવાર કરવી એમ નહીં પરંતુ કેન્સર પેશન્ટ જમતાં, બોલતાં અને પાછા નોર્મલ લાઇફ જીવી શકે તે માટેની અદ્યતન સારવાર આપી શકે તેવી સુવિધા ઉપલબ્ધ કરાવવી.તેઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ..
મહિલાઓની ભૂમિકા પણ મહત્ત્વની
મહિલાઓને સંદેશ આપતા તેઓએ જણાવ્યું હતું કે, ‘મહિલાઓ પોતાની જાતને સ્વસ્થ રાખે અને પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય માટે જાગૃત બને તે જરૂૂરી છે.પોતાના માટે જાગૃત રહીને બ્રેસ્ટ કેન્સર માટે મેમોગ્રાફી કરાવે અને સર્વાઇકલ કેન્સર માટે પેપ્સમિયર ટેસ્ટ અથવા તો એચપીવીની વેક્સિન લે તે જરૂૂરી છે. જો પરિવારમાંથી કોઈ વ્યક્તિને કેન્સર થાય તો તેને ટ્રીટમેન્ટ માટે હકારાત્મક વલણ અપનાવી પ્રોત્સાહિત કરી શકે. ઘરના પુરુષ વર્ગને વ્યસનના કારણે કેન્સર થયું હોય તો તે તેને વ્યસન મુક્ત પણ કરાવી શકે. આ ઉપરાંત અર્લી ડિટેક્ટ થાય તે પણ મહત્ત્વનું છે ફક્ત ચાંદુ પડે અને તેને ઇગ્નોર કરે અથવા તો અન્ય વૈકલ્પિક દવાઓ લે તે પણ યોગ્ય નથી. ઇન્ટરનેશનલ ગાઈડલાઈન મુજબ ટ્રીટમેન્ટ કરાવવી જરૂૂરી છે.આમ મહિલાઓનો ફાળો ખૂબ જ અગત્યનો છે.
Wrriten By: Bhavana Doshi