કુટેવે જીવ લીધો : વાંકાનેરમાં યુવાને દારૂના નશામાં એસિડ પી લેતાં મોત
વાંકાનેરમાં રહેતાં યુવાને દારૂના નશામાં એસિડ પી લીધું હતું. યુવકનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, વાંકાનેરનાં ગાત્રાળનગરમાં રહેતાં મનીષ ભરતભાઈ ચાવડા નામના 30 વર્ષના યુવાને બપોરના અરસામાં પોતાના ગામમાં હતો ત્યારે દારૂના નશામાં એસિડ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
જ્યાં તેનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન ત્રણ ભાઈ બે બહેનમાં વચેટ હતો અને તેને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.બીજા બનાવમાં વેરાવળના ભાલકા ગામે રહેતાં નરશીભાઈ કાનાભાઈ મજેવડીયા (ઉ.65)એ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. વૃધ્ધનું રાજકોટ સારવારમાં મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
