મનપા 40,000 ચો.મી. જમીન વેચી રૂા.350 કરોડ ઉભા કરશે
પ્રાઇમ લોકેશન પર આવેલા વેચાણના હેતુના 7 પ્લોટના વેચાણથી તૈયારીઓ શરૂ
મહાનગરપાલિકાની આવકની સામે જાવકમાં દિવસે દિવસે વધારો જોવા મળી રહ્યો છે. ખર્ચ વધતા તેજીરુ કાયમી તળીયાઝાટક રહેતી હોય નિયમ મુજબ તંત્ર દ્વારા વેચાણના હેતુ માટે મુકવામાં આવેલા ટી.પી.ના પ્લોટનુ વેચાણ કરી આવક ઉભી કરે છે. અગાઉ જાહેરાત થયા બાદ હવે મનપાએ પ્રાઇમ લોકેશન ઉપર આવેલા સાત પ્લોટ વેચવા માટેની તૈયારીઓ આરંભી છે. અંદાજે 40,000 ચો.મી.નુ વેચાણ કરી રૂા.350 કરોડની આવક ઉભી કરવામાં આવશે તેમ ટાઉનપ્લાનિંગ વિભાગમાંથી જાણવા મળેલ છે.
મહાનગરપાલિકા દ્વારા ત્રણ વર્ષ બાદ જમીન વેચાણ માટે કાર્યવાહી હાથ ધરાઇ છે. રાજકોટ મહાપાલિકાની આર્થિક હાલત અગાઉ જેવી સક્ષમ રહી નથી. કરોડો રૂૂપિયાની ફિકસ ડિપોઝીટો હતી તે તોડી તોડીને વાપર્યા બાદ હવે જમીનોના પ્લોટ વેચવા પડે તેવી સ્થિતિ ઉભી થતા મનપા દ્વારા ટી.પી.ના સાત પ્લોટ વેચાણ માટે મૂકવામાં આવ્યા છે અને તેની મંજૂરી મળતા હરાજી માટેની કાર્યવાહી હાથ ધરાઈ છે.
સાડા ત્રણસો કરોડની આવક જમીન વેચીને ઉભી કરવાનો નિર્ધાર છે. અગાઉ સરકારે કડક વલણ રાખતા ગત ત્રણ વર્ષ સુધી જમીનના પ્લોટ વેચી શકાયા ન હતા અને હવે સરકારે મંજૂરી આપતા કામગીરી શરૂ કરવામાં આવી છે.
શાસકો દ્વારા ચૂંટણી વર્ષને ધ્યાને રાખીને વેરા વધારાની દરખાસ્ત માન્ય રાખવામાં આવી ન હતી અને તેના કારણે મનપાની મહેસુલી આવક ખર્ચ કરતા 40 ટકા આસપાસ ઓછી થવાની ધારણા છે અને તેની સામે નવી ભરતીઓને કારણે મહેકમ ખર્ચ વધવાનો છે. સફાઈ કામદારોની ભરતી માટેની તૈયારીઓ થઈ ચુકી છે અને ત્યારબાદ પગારબિલ 20 ટકા વધી જાય તેવી સંભાવના છે ત્યારે મહેસુલી ખર્ચ માટે રકમ વધે તેવી સ્થિતિ નથી. મોટા પ્રોજેકટ માટે કેપીટલ સરકાર જોઈએ તેટલી આપી દે છે પણ મહેસુલી ખર્ચ માટે મનપાએ પોતાની આવક ઉપર જ આધાર રાખવાનો રહે છે. જેના લીધે પ્લોટનુ વેચાણ કરવુ ફરજિયાત બન્યુ છે. આ વખતે પણ આવી સ્થિતિ જણાતા માર્ચ એન્ડ પહેલા સાડા ત્રણસો કરોડની આવક જમીન વેચાણથી કરવા માટે કાર્યવાહી શરૂૂ થઈ છે. રીંગરોડ, રૈયા રોડ, મોરબી રોડ ઉપરના કિંમતી ટી.પી. પ્લોટના વેચાણ માટે પસંદ કરાયા છે. 40 હજાર ચો.મી. જમીન વેચાણ માટે પસંદ કરવામા આવી છે.