મહાપાલિકાના ટી.પી.ઓ. કિરણ સુમેરાની સુરત ઝોન 1માં બદલી
આઠ માસ પહેલાં ઇન્ચાર્જ તરીકે પોસ્ટિંગ થયેલ, નવો ચાર્જ આરડી પરમારને સોંપાય તેવી શક્યતા
મનપામાં આઠ માસ પહેલા ઇન્ચાર્જ ટીપીઓ તરીકે નમણુંક પામેલ કિરણ સુમરાની ગઇકાલે સુરત ઝોન1માં બદલી કરવામાં આવી છે. તેમના સ્થાને કોર્પોરેશનના મુખ્ય ટીપીઓ તરીકે આરડી પરમારને ચાર્જ સોંપાય તેવી સંભાવના જોવાઇ રહી છે.
ગઇકાલે સરકાર દ્વારા અલગ-અલગ પાંચ ટીપીઓની બદલીના હુકમ કરવામાં આવ્યા હતા. કોર્પોરેશનનો હવાલો હજુ સુધી કોઇને સોંપવામાં આવ્યો નથી. જૂનાગઢ શહેરી વિકાસ સત્તામંડળના નગર નિયોજક રામસિંહ દલાભાઇ પરમારને રાજકોટ નગર રચના યોજનામાં મુકવામાં આવ્યા હોય તેઓને કોર્પોરેશનનો ચાર્જ આપવામાં આવે તેવી સંભાવના રહેલી છે.
શહેરમાં ટીઆરપી અગ્નિકાંડની ઘટના બાદ કોર્પોરેશનના ટીપીઓ એમ.ડી.સાગઠીયાને મુખ્ય આરોપી બનાવી તેઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેઓને સસ્પેન્ડ કરાયા હતા. 14 માસનો જેલવાસ ભોગવી હજુ બે દિવસ પહેલા તેઓ જેલની બહાર આવ્યા છે. અગ્નિકાંડની ઘટના બાદ મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખાનો વહિવટ ખોરંભે ચડ્યો છે. ગત ફેબ્રુઆરી માસમાં ઇન્ચાર્જ ટીપીઓ તરીકે કિરણ સુમેરાની વરણી કરાયા બાદ આઠ મહિનામાં તેઓની સુરત બદલી કરી નાખવામાં આવી છે. જો કે, ત્રણેય ઝોનમાં હવે ટાઉન પ્લાનિંગ ઓફિસરની નિયુક્તી કરી દેવામાં આવી હોય થોડી વહિવટી પ્રક્રિયા સરળ બની છે. હાલ મહાપાલિકાના ટીપીઓનો ચાર્જ કોઇને સોંપવામાં આવ્યો નથી.