મનપાના ડે.કમિશનર મનિષ ગુરવાનીની બદલી, ઇન્ચાર્જ તરીકે મહેશ જાનીને પોસ્ટિંગ
મહાનગરપાલિકાની ઝોન વાઇસ જવાબદારી સંભાળતા ડે.કમિશનરીની જગ્યા કાયમી ખાલી રહેતી હોય છે. અથવા ઇન્ચાર્જ તરીકે ગાડુ ગબડાવવામાં આવે છે. થોડા સમયથી ત્રણેય ઝોનમાં ડે.કમિશનર જવાબદારી સંભાળી રહયા છે. સેન્ટ્રલ ઝોન ખાતે 4.5 મહિના પહેલા નિમણૂક પામેલ ડે.કમિનશર મનીષ ગુરવાનીની ગઇકાલે કચ્છ કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે અને તેના સ્થાને મહેશ જાનીની ઇન્ચાર્જ તરીકે નિમણૂક કરવામાં આવી હોવાનુ જાણવા મળેલ છે. રાજકોટ કોર્પોરેશનમાં હાલ ઉચ્ચ હોદા ઉપર મોટાભાગના અધિકારીઓ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવી રહ્યા છે. જેમાં ખાસ કરીને ઝોનની જવાબદારી જેમના શીરે હોય તેવા ડે.કમિશનરનું સેટ અપ હાલમાં તૈયાર કરવામાં આવ્યુ છે.
ત્રણેય ઝોનની કામગીરી વ્યવસ્થિત થઇ રહી છે. ત્યારે હાલમાં નિમણૂક પામેલા ડે.કમિશનર મનીષ ગુરવાનીની બદલીના આદેશ થયા છે. અને તેમના સ્થાને મહેશ જાનીની ઇન્ચાર્જ ડે.કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. કચ્છ ખાતે કમિશનર તરીકે નિમણૂક પામેલ મનિષ ગુરવાનીનો મનપામાં 4.5 માસનો સમય ગાળો રહેલ જે દરમિયાન તેઓએ વધારેમા વધારે સમય ફિલમાં રહી કામગીરી નિહાળી ટેકનીકલ બાબતોમાં અનેક સૂધારાઓ કર્યા હતા અને મનપાના પ્રોજેકટો તેમજ શહેર અંગેની જાણકારી મેળવી શકે તે પહેલા તેમની બદલી કરી દેવાતા તેમના સ્થાને નિમણૂક પામેલા ઇન્ચાર્જ ડે. કમિશનર મહેશ જાનીને ફરી વખત એકડો ધૂટવો પડશે. શહેરના અનેક કામો આજે ખોરભે ચડ્યા છે. જેનુ મુખ્ય કારણ અધિકારીની વારંવાર થતી ખાતાકીય બદલીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓની નવી નિમણૂક ના કારણે વિગતો મેળવવામાં મોટો સમય પ્રસાર થઇ જતો હોય છે. જેના લીધે ચાલુ રહેલા પ્રોજેકટો અને નવા કામોમાં ઢીલ થતી હોવાનુ પણ માનવામાં આવી રહ્યું છે.