આજી નદીમાં મચ્છરના પોરાના નાશ માટે ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરવા મ્યુનિ.કમિશનરનો આદેશ
રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ આજી નદીમાં તથા નદી કાંઠાના વિસ્તારમાં કયુલેક્ષ મચ્છરોનો ઉપદ્રવ રહે છે. કક્યુલેક્ષ મચ્છર મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગ ફેલાવતા નથી પરંતુ કક્યુલેક્ષ મચ્છરની ઘનતા વધવાને કારણે નદીકાંઠાના વિસ્તારમાં ન્યુસન્સ મચ્છર તરીકે ઓળખાતા આ મચ્છરના ઉપદ્રવની ફરિયાદ વધુ રહે છે. મ્યુનિ. કમિશનર તુષાર સુમેરાએ મચ્છર ન્યુસન્સ અને મચ્છરની ઉત્પતિ અટકાવવા આરોગ્ય શાખા મારફત ફોગિંગની કામગીરી કરાવી છે. સાથોસાથ આજી નદીની રૂૂબરૂૂ મુલાકાત દરમિયાન કમિશનરએ મચ્છર તથા મચ્છરના પોરાના નાશ માટે આજી નદીમાં ડ્રોન દ્વારા દવા છંટકાવ કરવા જરૂૂરી સૂચના પણ આપી હતી.
તા.18/2/2025ના રોજ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા રેલનગર માઘાપર પાસે આવેલા બેડી ચોકડીવાળા મોરબી હાઇવેના પુલ પાસેના વિસ્તારમાં મુલાકાત કરવામાં આવેલ. જેમાં નાયબ કમિશનર મહેશ જાની, નાયબ કમિશનર હર્ષદ પટેલ, આરોગ્ય અધિકારી, પર્યાવરણ ઇજનેર, બાયોલોજીસ્ટ, નાયબ પર્યાવરણ ઇજનેર તથા અન્ય સ્ટાફ પણ જોડાયેલ.
આ ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા રામનાથપરાના પુલ પાસેની સ્થળ મુલાકાત પણ લીધી હતી. આ સ્થળ મુલાકાત દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા પણ જોડાયા હતા. સ્થળ મુલાકાત દરમ્યાન નદીમાં આવતા ગેરકાયદેસર ડ્રેનેજ કનેકશન બંધ કરાવવા સંબંધિત વિભાગને સૂચના આપવામાં આવેલ છે તથા નદીમાંથી સોલિડ વેસ્ટ તથા બાંધકામ વેસ્ટનો નિકાલ કરી સ્થગિત પાણીનો પ્રવાહ ચાલુ કરાવવા સંબંધિત વિભાગને સુચના આપવામાં આવેલ છે.