શાકભાજીના કચરામાંથી ખાતર બનાવતા પ્લાન્ટની મુલાકાત લેતા મ્યુનિ.કમિશનર દેસાઇ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જ્યુબિલી ખાતે વેજીટેબલ કચરામાંથી ખાતર બનાવવા માટેનો પ્લાન્ટ કાર્યરત છે. આ પ્લાન્ટની તા.15-10-2024ના રોજ મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈએ મુલાકાત લઈ વેજીટેબલ વેસ્ટમાંથી ખાતર બનાવવાની પ્રક્રિયા અંગે માહિતી મેળવી હતી તેમજ બાજુમાં આવેલ જ્યુબિલી શાક માર્કેટની પણ મુલાકાત કરી હતી.
મ્યુનિસિપલ કમિશનરએ જ્યુબિલી ખાતેના કાર્યરત વેજીટેબલ કચરામાંથી ખાતર બનાવવાના પ્લાન્ટની મુલાકાત લઈ ખાતર બનાવવાની પધ્ધતિ વિશે માહિતી મેળવી હતી. આ પ્લાન્ટની કેપેસીટી પાંચ ટન વેજીટેબલ કચરામાંથી ખાતર બનાવવાની છે. જ્યુબિલી ખાતેના પ્લાન્ટમાં વેજીટેબલ કચરામાંથી ખાતર બનાવવામાં આવે છે જેમાં જ્યુબિલી શાક માર્કેટ, ફ્રુટ માર્કેટ અને હોકર્સ ઝોનમાંથી વેજીટેબલ વેસ્ટ પ્લાન્ટ ખાતે મોકલવામાં આવે છે અને તેમાંથી ખાતર બનાવવામાં આવે છે.
મુલાકાત દરમ્યાન મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ સાથે પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, નાયબ પર્યાવરણ ઈજનેર દિગ્વિજયસિંહ તુવર અને પ્લાન્ટ ખાતેના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.