મુંબઇમાં બારે મેઘ ખાંગા થશે, ગુજરાત સહિત છ રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર
હવાના બે નીચા દબાણથી વ્યાપક વરસાદની આઇએમડીની ચેતવણી
દક્ષિણ પશ્ચિમ ચોમાસાની અસરથી પૂર્વોત્તર અને દક્ષિણ રાજ્યોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. દિલ્હી સહિત પશ્ચિમી હિમાલયી પ્રદેશોમાં પ્રિ મોન્સૂન વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે આવો જાણીએ આજે દેશના વિવિધ રાજ્યોમાં કેવુ રહેશે વાતાવરણ અને ક્યાં પડશે વરસાદ.
આગામી બે દિવસ દરમિયાન ચોમાસુ ઉત્તરી અરબ સાગર અને ગુજરાતથી લઇને રાજસ્થાન અને મધ્યપ્રદેશ તથા પૂર્વી ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં આગળ વધી શકે છે. જ્યારે દિલ્હીમાં પ્રિમોન્સૂન અને ભારે પવન ફૂંકાતા તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. આજે દિલ્હીમાં યલો એલર્ટ અપાયુ છે. આજે સાંજે કે રાતે સામાન્ય વરસાદ પડી શકે છે.
આઇએમડીના અનુસાર બે નીચા દબાણના ક્ષેત્ર બન્યા છે. જે દક્ષિણ પશ્ચિમ બાંગ્લાદેશ અને તેનાથી નજીક પશ્ચિમ બંગાળના ગંગાના મેદાની વિસ્તારોમાં તથા ગુજરાતમાં. પરિણામે આજે અને કાલે પશ્ચિમ બંગાળના ગંગાના મેદાની વિસ્તારો, બિહાર, ઝારખંડ, ઓડિશા માં અલગ અલગ સ્થા પર ભારે વરસાદ થઇ શકે છે. આ રાજ્યો માટે રેડ એલર્ટ જાહેર કરાયુ છે.
આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઇ શકે છે. કોંકણ અને ગોવા, તટીય કર્ણાટક, કેરળ તથા ઉત્તર બિહાર, છત્તીસગઢ, પૂર્વી મધ્ય પ્રદેશ અને પૂર્વોત્તર ભારતમાં હલકાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. મહારાષ્ટ્રમાં તો મેઘરાજા ધોધમાર વરસ્યા છે. મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આઇએમડી અનુસાર મુંબઇમાં આજે ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત આજે દિવસભર વાદળછાયુ વાતાવરણ જોવા મળશે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે મુંબઇમાં ધોધમાર વરસાદ થયો હતો.