જામનગરના વોર્ડ નં.6માં કાદવ કીચડનું સામ્રાજ્ય, લોકોનો વિરોધ
જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર -6 ના ડિફેન્સ કોલોની સહિતના વિસ્તારમાં લાંબા સમયથી રબડી રાજને લઈને સ્થાનિક લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે, જેના પ્રશ્નોને વાચા આપવા માટે આજે શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા સહિતના કાર્યકરો દ્વારા નવતર પ્રકારે વિરોધ પ્રદર્શન કરાયું હતું.
વોર્ડ નંબર 6 ના બાલાજી પાર્ક વિસ્તારમાં જે સ્થળે કિચડ નું સામ્રાજ્ય છવાયેલો છે, તે સ્થળે જાહેરમાં કોંગી પ્રમુખ દિગુભા જાડેજા તથા અન્ય કાર્યકરો અને સ્થાનિક નાગરિકો વગેરે નીચે બેસી ગયા હતા, અને કીચડમાં રગદોળાઈ સત્તા પક્ષને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઇને સ્થાનિક વિસ્તારમાં કુતુહલ પ્રસર્યું હતું.
શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા એવો આક્ષેપ કરાયો છે કે, આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરના કામ બાદ છેલ્લા એક વર્ષથી રબડી રાજ ચાલી રહ્યું છે, અને મહાનગરપાલિકાના સત્તાધીશો આ વિસ્તારમાં રસ્તા રીપેરીંગ નું કોઈ કામ કરી રહ્યા નથી, તેવો આક્ષેપ કર્યો છે.
