દરેડમાં મારામારીમાં ઘવાયેલા MPના યુવાનનું મોત
નવેમ્બરમાં બનેલા બનાવમાં ત્રણ મહિનાની સારવાર કારગત ન નીવડી, બનાવ હત્યામાં પલ્ટાયો
મૂળ મધ્યપ્રદેશનો વતની અને જામનગર ના દરેડ વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતો એક પરપ્રાંતિય યુવાન કે જે ગત વર્ષે નવેમ્બર માસમાં મારામારીના કેસમાં ઇજાગ્રસ્ત બન્યો હોવાનું જણાવીને જામનગરની જી.જી. હોસ્પિટલમાંથી સારવાર લઈ પોતાના વતનમાં ચાલ્યો ગયો હતો.
ત્યાં સારવાર બાદ તેનું મૃત્યુ થયું હતું, જેના મૃતદેહના પોસ્ટમોટમ સહિતના મધ્યપ્રદેશ પોલીસે કાગળો જામનગર મોકલ્યા હતા, અને પંચકોસી બી. ડિવિઝન પોલીસ દ્વારા સમગ્ર મામલાની તપાસ ચલાવવામાં આવી રહી છે.
આ બનાવની વિગત એવી છે કે મધ્યપ્રદેશ ના બંડા જિલ્લાના બરખેડા ગામનો વતની સત્યવ્રત ઉર્ફે સત્યમ વિજયભાઈ મિશ્રા નામનો યુવાન કે જે ગત 22.11.2024 ના રાત્રિના સમયે જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે આવ્યો હતો, અને તેને મારામારીમાં ઈજા થઈ હોવાનું જણાવ્યું હતું.
જેને સારવાર ચાલી હતી, દરમિયાન પોતે વતનમાં ચાલ્યો ગયો હતો. ત્યાર બાદ વતનમાં પણ ફરીથી માથામાં દુખાવો થતા હોસ્પિટલમાં દાખલ થયો હતો અને તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જેનું મધ્યપ્રદેશ પોલીસે પોસ્ટમોર્ટમ કરાવીને તેના કાગળો જામનગરના પંચકોષી બી. ડિવિઝન તરફ મોકલી આપ્યા હતા.
ઉપરાંત મૃતક સત્ય વ્રતના પિતા વિજય બાલમુકુંદ મિશ્રાએ જામનગર આવીને પોલીસ સમક્ષ એવો આક્ષેપ કર્યો હતો, કે પોતાના પુત્રને મારામારીમાં ઈજા થઈ છે.
જે સમગ્ર રજૂઆત અને કેસની તપાસના અર્થે પંચકોસી બી. ડિવિઝનના પી. આઈ. વી.જે. રાઠોડ અને તેમની ટીમે તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે, અને દરેડ વિસ્તારમાં મારામારીનો બનાવ ક્યાં બન્યો હતો, તે વિગતો જાણવા માટે ની કવાયત શરૂૂ કરી છે. જ્યારે એક ટુકડી વધુ તપાસ અર્થે મૃતકના વતન મધ્યપ્રદેશ પણ જઇ રહી છે.