ગોંડલ માર્કેટ યાર્ડ અને અમેરિકાના નેશનલ પિનલ્ટ બોર્ડના સીઈઓ વચ્ચે એમઓયુ
સૌરાષ્ટ્ર ગુજરાતનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ સિઝન પ્રમાણે વિવિધ જણસીઓની વિપુલ પ્રમાણમાં આવક થતી હોય છે. હાલ ગોંડલ યાર્ડમાં નવી મગફળી સહિતની જણસીની આવક શરુ થઇ રહી છે. ત્યારે અમેરિકાના નેશનલ પિનલ્ટ બોર્ડના CEO પાર્કર બોબ ગોંડલ માર્કેટિંગ યાર્ડની મુલાકાત લીધી હતી.
અમેરિકાની કંપની નેશનલ પિનલ્ટ બોર્ડ CEO પાર્કર બોબ કે જે અમેરિકામાં મગફળી ક્ષેત્ર ક્રાંતિ લાવવામાં મહત્વનો ફાળો રહ્યો છે. તે ગોંડલ યાર્ડની મુલાકાતે આવ્યા હતા અને મગફળી સંશોધનની માહિતીની આપ લે માટેના MOU ગોંડલ માર્કેટિંગ યાર્ડ સાથે કરવામાં આવ્યા હતા.
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અમેરિકા કંપનીના CEO પાર્કર બોબ સહિતના સત્તાધીશોએ યાર્ડમાં વિવિધ જણસી આવક અને હરાજી નિહાળી હતી અને યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા દ્વારા ગોંડલ યાર્ડની જણસીની આવક તેમજ હરાજી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ યાર્ડની મિટિંગ હોલમાં ગોંડલ યાર્ડના મગફળીના વેપારીઓ સાથે બેઠક યોજી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે અમેરિકાની કંપનીના CEO પાર્કર બોબ અમેરિકામાં મગફળીના સાયન્ટિસ્ટ છે તેઓએ મગફળીના સુધારણા માટે ખેડૂતોને અમેરિકામાં મગફળીનું વધારે વાવેતર થાય અને લોકો જાગૃત થાય અને મગફળીનો વધારે ઉપયોગ કરે તે માટે તેઓએ એક મોટી ઝુંબેશ ઉપાડી હતી આજરોજ તેમને ગોંડલ માર્કેટિંગ યાર્ડના ખેડૂતો અને વેપારીઓ સાથે મુલાકાત તેમના પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા અને આપણા ખેડૂતોમાં જાગૃતતા આવે અને ઉત્પાદનમાં અને ભાવમાં ખૂબજ આગળ આવે તેમને લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને અમેરિકાની કંપની નેશનલ પિનલ્ટ બોર્ડના CEO વચ્ચે MOU કરવામાં આવ્યા હતા. માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા, વા. ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા, પ્રફુલભાઈ ટોળીયા સહિત યાર્ડના ડિરેક્ટરો દ્વારા અમેરિકાની કંપનીના CEO નું સ્મૃતિ ચિન્હ ભેટ આપી સન્માન કરાયું હતું.
