ટીનએજ દીકરીઓ સાથે માતાનું એવરેસ્ટ યાત્રાનું સાહસ
કેરોલ ખખ્ખરના શોખ અને સંસ્કાર બંને દીકરીઓમાં પણ આવ્યા છે,સાહસ સાથે સેવાના ગુણો પણ ધરાવે છે
કેરોલના મત મુજબ બાળકોને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કામ કરતા શીખવો,કોઈપણ સ્પોર્ટ્સમાં રસ લેતા શીખવો,સ્પોર્ટ્સ બાળકોને હારનો સામનો કરતા શીખવે છે
બંને દીકરીઓ મારા કરતાં ફાસ્ટ ચાલતી હતી. અમારા વચ્ચે એક થી બે કલાકનો ગેપ રહેતો.રસ્તો ખૂબ જ કઠિન હતો. અમે રોજના 10 સળ ચાલતા હતા,વચ્ચે આવતા ગામડાંના લોકોનો વ્યવહાર અમારી સાથે ખૂબ સારો હતો. અમુક સ્થળો એકદમ નિર્જન હતા. જંગલ વિસ્તારમાં અંધારું થયા પછી કંઈ જ ન દેખાય.આવા સમયે એક વખત હું પાછળ રહી ગઈ અને બંને દીકરીઓ આગળ નીકળી ગઈ. તેઓને મારી ચિંતા થતાં આગળ જવાના બદલે રાહ જોતા રોકાઈ ગયા. મને લાગે છે કે તેઓ મારી ચિંતામાં રાહ જોતા હતા એટલે જ કદાચ એવરેસ્ટના ગોલને 300 મીટરથી ચૂકી ગયા આમ છતાં તેઓને મારું સ્વપ્ન પૂરું કરવાનો આનંદ છે અને મને માતા તરીકેની ફરજ બજાવવાની ખુશી છે.આ શબ્દો છે રાજકોટની સેન્ટ પોલ સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા કેરોલ ખખ્ખરના કે જેમણે પોતાની 16 વર્ષની દીકરી જીઆના અને 13 વર્ષની દીકરી કેરન સાથે એવરેસ્ટ સર કરવાનું સ્વપ્ન જોયું. એવરેસ્ટની આ યાત્રામાં તેઓને એવરેસ્ટથી 300 મીટર જેટલા દૂર પહોંચીને આ યાત્રા થંભાવવી પડી હતી.યાત્રામાં તેઓ ભલે એવરેસ્ટ સર ન કરી શક્યા પરંતુ જીવનમાં સાહસ,ધીરજ,સેવા સહિતના અનેક ગુણોને આત્મસાત કર્યા હતા.
સામાન્ય રીતે શાળા કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ પોત પોતાના ગ્રુપ સાથે આવી પ્રવૃત્તિમાં જોડાતા હોય છે.ઘણી વાર સંતાનોને એવું લાગતું હોય છે કે માતા-પિતા જમાના સાથે કદમ મિલાવી શકતા નથી એથી ઊલટું ઘણા માતા-પિતા અમુક કારણસર સંતાનો સાથે જોડાતા નથી પરંતુ અહીં ટીનેજર એવી બે દીકરીઓએ પોતાની માતાનું શાળા-કોલેજના સમયનું સ્વપ્ન પૂર્ણ કરવા આ સાહસની સફર ખેડી હતી.
બંને દીકરીઓએ જ્યારે પર્વતારોહણ માટે જવાનું નક્કી કર્યું ત્યારે માતાની ખાસ સહેલી તનુ શર્મા પણ તેની સાથે જોડાયા હતા. આ સમયે બાસ્કેટ બોલ ચેમ્પિયન રહી ચૂકેલ કેરોલને પોતાના જૂના દિવસોની યાદ તાજી કરવા અને એક સમયે જોયેલું સ્વપ્ન પૂર્ણ કરવા આ યાત્રામાં જોડાવા આગ્રહ ભર્યુ સૂચન કર્યું. આવા સમયે સાસુ, માતા-પિતા,પતિ દરેકનો સપોર્ટ મળ્યો અને કેરોલે પણ સાથે જોડાવા તૈયારી શરૂૂ કરી. પોતાની યાત્રાના અનુભવ જણાવતા તેઓએ જણાવ્યું કે, શારીરિક રીતે ફિટ રહેવું ખૂબ જ જરૂૂરી હોય છે.માઉન્ટેનિયરિંગ પહેલાં એક મહિના સુધી દરરોજ ચાલવું, દોડવું, એક્સરસાઇઝ,ડાયટ વગેરેની તૈયારી કરી હતી.રોજના 10 કિલોમીટર ચાલતા ચાલતા બંને દીકરી લબોચે સુધી અને હું મોંજો સુધી પહોંચી. અમુક કારણસર એવરેસ્ટ સુધી પહોંચી ન શક્યા જાણે એવરેસ્ટ હાથ તાળી આપી ગયો. આ વખતના અનુભવ બાદ બંને દીકરીઓ એકલા જવા માટે પણ વિચાર કરી રહી છે.
પોતાના શોખ અને સંસ્કાર બંને દીકરીઓમાં પણ આવ્યા. સાહસ સાથે સેવાના ગુણો પણ વિકસ્યા છે.આજે તેઓ વૃક્ષારોપણ થી લઈને ડ્રોઈંગ,ભાષા શીખવા જેવી અનેક પ્રવૃત્તિ કરે છે.
એક શિક્ષિકા અને માતા તરીકે પોતાની બંને દીકરીઓમાં સંસ્કાર રોપવામાં કેરોલે જરા પણ પાછી પાની કરી નથી.તેઓ જણાવે છે કે, મારા માતા-પિતાએ મારામાં જે સેવા અને પ્રામાણિકતાના બીજ રોપ્યાં છે એજ બીજ મારી દીકરીઓમાં પણ સેવાના કાર્ય રૂૂપે ઊગ્યા છે. કોરોના સમયે બ્લડ ડોનેશન સહિતની સેવાઓ કરી,ઓનલાઈન ટીચિંગ કર્યું,કિરણ બેદીની સંસ્થામાં અને સલામ બોમ્બે ટ્રસ્ટમાં પણ કામ કર્યું છે. આપણને જે આવડતું હોય અથવા તો આપણને જે સમાજ પાસેથી મળ્યું છે તે સમાજને આપવું એ આપણી ફરજ છે.
સ્પોર્ટ્સ બાળકને હાર પચાવતા શીખવે છે
એક માતા તરીકે કેરોલ ખખ્ખરે જણાવ્યું કે બાળકોને સમય આપો. માતા-પિતા ફરિયાદ કરતા હોય છે કે બાળકો અમારું સાંભળતા નથી પરંતુ તેઓને સમય આપો તેમની રોજબરોજની પ્રવૃત્તિ માં રસ લો. ટ્યુશનમાં મોકલવા કરતા જાતે શીખવો બાળકોને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કામ કરતા શીખવો.કોઈપણ સ્પોર્ટ્સમાં રસ લેતા શીખવો કારણકે ઈન્ડોર ગેમ હોય કે આઉટડોર ગેમ ,સ્પોર્ટ્સ બાળકોને હારનો સામનો કરતા શીખવે છે. બાળકોને અમુક મર્યાદા સાથે સ્વતંત્રતા પણ આપો.
તો ક્યારેય ફરિયાદ નહીં કરો
એવરેસ્ટની યાત્રામાં પોતાના અનુભવો યાદ કરતા તેઓએ જણાવ્યું કે, એવરેસ્ટની યાત્રા દરમિયાન અનેક બાબતો શીખવા મળી.રસ્તામાં આવતા ગામડાંના લોકો જે પરિસ્થિતિમાં રહે છે તે જોઈને ખરેખર એમ થાય કે તેઓનું જીવન કેટલું કઠિન છે.14 વર્ષના બાળકો 50 કિલો વજન ઉપાડીને જતા હોય ત્યારે એમ થાય ભગવાને આપણને ઘણું આપ્યું છે.આ જોઈને કોઈપણ વ્યક્તિ ફરિયાદ કરવાનું છોડી દે.
Written By: Bhavna Doshi