6 વર્ષનો પુત્ર સ્કૂલે જતો ન હોવાથી માતાએ ઝેરી દવા ગટગટાવી લીધી
શહેરના આજીડેમ ચોકડી પાસે આવેલા માંડા ડૂંગરમાં રહેતી પરિણીતાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. 6 વર્ષનો પુત્ર સ્કૂલે જતો ન હોવાથી આ પગલુ ભરી લીધાનું જાણવા મળ્યુ છે.
જાણવા મળતી વિગત મુજબ આજીડેમ ચોકડી પાસે માંડા ડૂંગરમાં રહેતી માહીબેન સાગરભાઇ ચૌહાણ (ઉ.વ.26)નામની પરિણીતાએ આજે સવારે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી આજીડેમ પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં માહીબેનના લગ્ન 7 વર્ષ પહેલા થયા હોવાનુ અને તેનો પતિ એચજે સ્ટીલમા નોકરી કરતો હોવાનું જાણવા મળ્યુ છે. તેને સંતાનમાં બે પુત્ર હોય જેમાં એક પુત્ર 6 વર્ષનો છે. જે એલકેજીમાં અભ્યાસ કરે છે. જે પુત્ર સ્કૂલે જતો ન હોવાથી કંટાળી માતાએ આ પગલુ ભરી લીધાનું તેના પતિએ જણાવ્યુ હતુ. આ અંગે આજીડેમ પોલીસે હોસ્પિટલે દોડી જઇ પરિણીતાનું નીવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.