મુંબઈ જવા માતાએ પૈસા નહીં આપતા પુત્રનો ઝેરી દવા પી આપઘાત
ગઢડાના પાડાપાણ ગામની ઘટના; માસીના ઘરે રહી નર્સરીમાં કામ કરતો યુવાન એક માસ પૂર્વે જ ઘરે આવ્યો’તો
ગઢડા તાલુકાના પાડાપાણ ગામે રહેતાં યુવકે મુંબઈ માસીના ઘરે આંટો મારવા જવા માટે માતા પાસે પૈસા માંગ્યા હતાં. પરંતુ માતાએ પૈસા નહીં આપતાં પુત્રએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ગઢડાના પાડાપાણ ગામે રહેતાં સુનિલ માનસિંગભાઈ સેખલીયા નામનો 20 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે બપોરના સમયે ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે અમરેલી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.
પ્રાથમિક પુછપરછમાં મૃતક યુવાન ચાર ભાઈ ચાર બહેનમાં વચેટ અને અપરિણીત હતો. સુનિલ સેખલીયા મુંબઈ માસીના ઘરે રહી નર્સિરીમાં કામ કરતો હતો અને એક માસ પૂર્વે જ ઘરે આવ્યો હતો. પરત મુંબઈ માસીના ઘરે જવા માટે પૈસા માંગતાં માતાએ પૈસા આપવાની ના પાડતાં આત્મઘાતી પગલું ભર્યુ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ઢસા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.