સાત વર્ષની દીકરીને દીક્ષા અપાવવા માતા મક્કમ, પિતા કોર્ટના શરણે
22મીએ કોર્ટમાં સુનાવણી, સુરતની ઘટનાથી ફરી બાળદીક્ષાનો મુદ્દો ચર્ચામાં
સુરત શહેરમાં રહેતા અને શેરબજારનું કામકાજ કરતા એક પિતાએ પોતાની સાત વર્ષની દીકરીને અપનારી દીક્ષા અટકાવવા ફેમિલી કોર્ટમાં અરજી કરી છે. સાત વર્ષની દીકરીને દીક્ષા અપાવવા માટે માતા અડગ છે. જ્યારે પિતાનો વિરોધ હોય દંપતી વચ્ચે વિવાદ સર્જાયો છે. માતા પોતાની દીકરીને લઈને છ મહિનાથી અલગ રહેવા લાગી છે અને 7 વર્ષીય દીકરીને આગામી 8મી ફેબ્રુઆરીએ મુંબઈમાં યોજાનારા સામુહિક દીક્ષા મહોત્સવમાં દીક્ષા અપાવવાનો નિર્ણય કર્યો છે. જે રોકવા માટે પિતાએ સુરતની ફેમિલી કોર્ટમાં પત્ની વિરુદ્ધ અરજી દાખલ કરી છે. કોર્ટે આ મામલે 22મી ડીસેમ્બરે વધુ સુનાવણી રાખી છે. નોંધનીય છે કે, 7 મહિના પહેલા આ પ્રકારનો જ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો હતો. જેમાં 12 વર્ષીય કિશોરની દીક્ષાને લઈ દંપતી વચ્ચે વિવાદ થતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.
દીકરીની દીક્ષા રોકવા માટે ફેમિલી કોર્ટમાં પહોંચેલા પિતાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, "મને પરિચિત લોકોએ જણાવ્યું કે તમારી દીકરી દીક્ષા લેવા જઈ રહી છે ત્યારે મને આ વાતની ખબર પડી. પરિવારની સંમતિથી મેં કેસ દાખલ કર્યો છે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "અમે પહેલા પત્ની સાથે વિચાર-વિમર્શ કર્યો હતો કે, જ્યારે દીકરી મોટી થઈ જશે ત્યારે દીક્ષા લેશે તો કોઈ સમસ્યા નથી, પરંતુ નાની છે." જોકે, તેમની પત્ની નાની ઉંમરે દીક્ષા લેવા માટે જીદ કરતી હતી અને ઝઘડો કરીને પિયર ચાલી ગઈ હતી.પિતાએ આક્ષેપ કર્યો કે પત્નીએ કહ્યું હતું કે, "જ્યાં સુધી તમે દીક્ષા માટે તૈયાર નહીં થાવ ત્યાં સુધી હું ઘરે નહીં આવું." આ કારણોસર તેમણે ન્યાય માટે કોર્ટનો સહારો લીધો છે.
પિતા વતી કેસ લડી રહેલા વકીલ સ્વાતિ મહેતાએ જણાવ્યું કે તેમની તરફથી કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે, જેના પગલે કોર્ટ કાલે નોટિસ કાઢશે અને ફરિયાદીની પત્નીને 22 તારીખે હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે.વકીલ સ્વાતિ મહેતાએ કોર્ટમાં રજૂ કરવામાં આવનારી તેમની મુખ્ય દલીલો વિશે જણાવ્યું હતું કે, "નાની ઉંમરની બાળકીના દીક્ષા ન થાય તે માટે અમે દલીલો કરીશું અને મનાઈ હુકમ મળે તે માટે તજવીશ કરશું." વકીલનું ધ્યાન બાળકીના કલ્યાણ અને તેના અધિકારો પર કેન્દ્રિત છે, કારણ કે આટલી નાની ઉંમરે સંયમ માર્ગ પર જવાનો નિર્ણય બાળકી જાતે લઈ શકે તેમ નથી. કાયદાકીય માળખામાં બાળકના હિતનું રક્ષણ થાય તે માટે કોર્ટ સમક્ષ પ્રયત્ન કરવામાં આવશે.
સુરતમાં 12 વર્ષના કિશોરની દીક્ષાનો મામલો કોર્ટમાં પહોંચ્યો હતો, ત્યારે કોર્ટે દીક્ષા પર સ્ટે લગાવ્યો છે. 12 વર્ષનો બાળક દીક્ષા લેવાનો હતો, તે પહેલા જ તેના પિતા દ્વારા કોર્ટમાં દીક્ષા ન થાય તે માટે અરજી કરી હતી. બાળકના માતા-પિતા છેલ્લા ઘણા વર્ષોથી અલગ રહેતા હતા અને બાળક માતા સાથે રહેતો હતો. માતા અને તેના પિયર પક્ષના લોકો દ્વારા બાળકના દીક્ષા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તે પહેલા સુરત ફેમિલી કોર્ટ દ્વારા દીક્ષા પર સ્ટે લગાવી કસ્ટડી માતા પાસે જ રાખવાનો નિર્ણય કરાયો છે.
8મી ફેબ્રુઆરીએ મુંબઈમાં સામૂહિક દીક્ષા મહોત્સવ
મહારાષ્ટ્રમાં આ પ્રથમ વખત છે જ્યારે 59 મુમુક્ષુઓ એકસાથે દીક્ષા ગ્રહણ કરી રહ્યા છે. આ પાંચ દિવસીય મહોત્સવ ચોથી ફેબ્રુઆરીથી આઠમી ફેબ્રુઆરી 2026 દરમિયાન મુંબઈના બોરીવલી ખાતે આચાર્ય સૌમસુંદર સૂરીશ્વરજી સહિત અનેક મહારાજ સાહેબના સાંનિધ્યમાં યોજાશે. આ 59 મુમુક્ષુઓમાં 18 પુરુષો અને 41 મહિલાઓનો સમાવેશ થાય છે, જેમાં 71 વર્ષના સૌથી વરિષ્ઠ મુમુક્ષુથી લઈને સુરતની આ સાત વર્ષની બાળકી સૌથી નાની મુમુક્ષુ છે. હવે કોર્ટના નિર્ણય પર સૌની નજર ટકેલી છે કે શું આ બાળકી દીક્ષા ગ્રહણ કરી શકશે કે પછી પિતાની અરજી સ્વીકારાશે.