ભેસાણના મોરવાડા પાસે કાર પલ્ટી ખાતા સાસુ-વહુના મોત, ત્રણ ઈજાગ્રસ્ત
ભેસાણનાં મોરવાડા પાસે દીકરાથી કાર પલ્ટી ખાતા તેની માતા, દાદીનું મોત નિપજ્યું હતું અને ચાલક સહિત 3 વ્યક્તિને ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં.
ભેસાણ તાલુકાના જુની ધારી ગુંદાળી ગામનો નરેન્દ્ર દુદાભાઈ રાઠોડ નામનો યુવક રવિવારે તેની માતા શોભનાબેન, દાદી લાભુબેન, પિતરાઈ બહેન હેતલ અને ભાઈ મિતને મિત્રની જીજે 01 આરડી 8702 નંબરની કારમાં બેસાડીને ભેસાણ તાલુકાના મોરવાડા ગામે સંબંધીના ઘરે ગયો હતો. જ્યાંથી પરત આવતા હતા ત્યારે જુની ધારી ગુંદાળી, મોરવાડા વચ્ચે યુવકે કારના સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી.
અકસ્માતથી કારમાં સીટ નીચે દબાઈ જવાથી શોભનાબેનને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. જ્યારે નરેન્દ્ર, હેતલ, મિતને સામાન્ય ઇજા થતાં ભેસાણ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે શોભનાબેનને મૃત જાહેર કર્યા હતા. જ્યારે લાભુબેનને વધુ ગંભીર ઇજા થવાથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે રિફર કરવામાં આવતા ત્યાં તેમને પણ મૃત જાહેર કરવામાં આવ્યા હતા. અમકસ્માતમાં એક જ પરિવારના 2 સભ્યના એકી સાથે મોત થતાં શોકનું મોજુ ફરી વળ્યુ હતુ.ભેસાણ પોલીસે અકસ્માતને લઈ કાર્યવાહી કરી હતી.
