માધાપર ચોકડી નજીક કારની ઠોકરે બાઈક ચડી જતાં માતાનું મોત : પુત્ર ઘાયલ
રેલનગરમાં રહેતા વૃધ્ધા મોટા પુત્ર સાથે રોણકીમાં રહેતા નાના પુત્રના ઘરે જમવા જતાં હતાં ને કાળ ભેટયો
શહેરની ભાગોળે માધાપર-બેડી બાયપાસ હાઈવે પર આવેલી એડીબી હોટલ નજીક પુરપાટ ઝડપે આવતી કારના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સ્વાર વૃધ્ધાનું પુત્રની નજર સામે જ મોત નિપજ્યું હતું. જ્યારે ઈજાગ્રસ્ત પુત્રને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી કાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
રેલનગરમાં કર્ણાવતી સ્કૂલ પાસે શ્રીનાથજી પાર્ક શેરી નં.5માં રહેતાં પુષ્પાબેન અશોકભાઈ નાઢા (ઉ.83) આજે બપોરે તેના મોટાપુત્ર અરવિંદભાઈ (ઉ.63)ના બાઈકમાં બેસી માધાપર-બેડી હાઈવે પર એડીબી હોટલ પાછળ રોણકીમાં રહેતાં તેના નાના પુત્રનાં ઘરે જમવા જઈ રહ્યા હતાં ત્યારે એડીબી હોટલ પાસે પહોંચતાં પુરપાટ ઝડપે આવતાં કારના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં માતા-પુત્રને ગંભીર ઈજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જો કે ગંભીર રીતે ઘવાયેલા પુષ્પાબેનનું સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતું. જ્યારે તેના પુત્ર અરવિંદભાઈની સારવાર શરૂ કરવામાં આવી હતી.
આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી પ્ર.નગર પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.પ્રાથમિક તપાસમાં મૃતક પુષ્પાબેનને સંતાનમાં ત્રણ પુત્ર અને એક પુત્રી હોવાનું અને પતિ હૈયાત ન હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.