નો પાર્કિંગમાંથી ટોઇંગ કરેલા એક્ટિવાને છોડાવવા માતા-પુત્રીની ધમાલ, મહિલા ASI સાથે ઝપાઝપી
ચાલક દંડ ભરવા માંગતી હતી પરંતુ, તેની સાથેની માતા-પુત્રીએ જાહેરમાં માથાકુટ કરી આપી ધમકી
કુવાડવાના ડી-માર્ટ પાસેની ઘટના : માતા-પુત્રીને સકંજામાં લેતી પોલીસ
શહેરના કુવાડવા રોડ પર આવેલા ડી-માર્ટ નજીક ટ્રાફીક શાખા દ્વારા નો-પાર્કિંગમાં રહેલા વાહનો ટોઇંગ કરવાની કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે એક એકિટવા ટોઇંગ કર્યા બાદ તેમના ચાલક દંડ ભરવા તૈયાર હતા તેમ છતા તેમનું ઉપરાણુ લઇ હડાળાની માતા-પુત્રીએ મહિલા એએસઆઇ સાથે માથાકુટ કરી ઝપાઝપી કરી હતી તેમજ અમે કોણ છીએ હવે તમે કઇ રીતે નોકરી કરો છો તે અમે જોઇ લેશું. તેમ કહી ધમકી આપી ફરજમાં રૂકાવટ કરતા બી ડિવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધવામાં આવી છે. મળતી વિગતો મુજબ ટ્રાફિક શાખાના મહિલા એએસઆઇ રાધિકાબેન મકવાણાએ પોતાની ફરીયાદમાં જણાવ્યુ હતું કે ગઇકાલે તેઓ બી ડિવીઝન વિસ્તારમાં કુવાડવા રોડ પર ફરજ પર હતા ત્યારે તેમના ટોઇંગ વાહન અને ટ્રાફિક શાખામાં માણસો દ્વારા ડી માર્ટ પાસે નો પાર્કિંગમાં રહેલા વાહનોનું ટોઇંગ કરવામાં આવતુ હતું.
તેમાં એક સેજલબેન ભટ્ટીના એકિટવાનું ટોઇંગ કરવામાં આવ્યુ હતું વાહન ટોઇંગ કર્યાના મિનીટોમાં સેજલબેન ભટ્ટી ત્યા આવી પહોંચ્યા હતા અને તેમની પાસેથી લાયસન્સ તેમજ જરૂરી કાગળો માંગતા તેમની પાસે કોઇ કાગળ કે લાયસન્સ હાજરમાં ન હોય જેથી તેમને 700 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેઓ દંડ ભરવા તૈયાર હતા તેમ છતા તેમનું ઉપરાણુ લઇ હડાળાના ફીરોજાબાનું ગુલામહુશેન વળદડીયા અને તેમના પુત્રી શમશાબાનું ત્યા આવી પહોંચ્યા હતા અને સેજલબેન ભટ્ટી તેઓના મિત્ર થાય છે તેમ કહી ટોઇંગ કરેલુ એકિટવા ઉતારવાનું કહી ઝઘડો શરૂ કર્યો હતો. ત્યારબાદ તેમને સમજાવતા તેઓએ જાહેરમાં જ ગાળાગાળી તેમજ મહિલા એએસઆઇ સાથે ઝપાઝપી કરી હતી. તેમજ માતા-પુત્રીએ અમે કોઇ છીએ તમે અમને જાણતા નથી તમે હવે કઇ રીતે નોકરી કરો છો તેમ કહી ધમકી આપી હતી. ત્યારબાદ કોઇએ પોલીસ ક્ધટ્રોલ રૂમના નંબર 100 માં કોલ કરતા પોલીસ આવી ગઇ હતી. તેમજ બંનેને સકંજામાં લઇ પુછપરછ શરૂ કરી હોવાનું પોલીસમાંથી જાણવા મળી રહયુ છે. તેમજ આ સમગ્ર ઘટનાનો વિડીયોગ્રાફી ટોઇંગ વાહનમાં રહેલા વ્યકિતએ કરી લીધુ હતું.