વર્ધમાનનગરમાં પુત્રએ ધમકી આપતા માતાનો આપઘાતનો પ્રયાસ
ચાર દિવસમાં પુત્ર વિરૂધ્ધ બીજી ફરિયાદ નોંધાવી
શહેરનાં જામનગર રોડ પર વર્ધમાનનગરમા રહેતા પ્રૌઢાને તેમના નાના પુત્રએ મોબાઇલમા ફોન કરી પોતાના બાળકો આપી દેવાનુ કહી અને બાળકોને નહી આપો તો જાનથી મારી નાખવાની ધમકી આપતા તેઓએ ફીનાઇલ પી લઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામા આવ્યા છે. પ્રૌઢાએ તેમના પુત્ર વિરૂધ્ધ ચાર દિવસમા બીજી ફરીયાદ નોંધાવી હતી.
વધુ વિગત મુજબ વર્ધમાનનગરમા રહેતા ધૃપતબા મહેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ. પ4) એ પોતાની ફરીયાદમા લક્ષ્મીવાડીમા રહેતા સંજયરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા વિરુધ્ધ ફરીયાદ નોંધાવી હતી. આ ફરીયાદમા ધૃપતબાએ જણાવ્યુ હતુ કે સંજયસિંહનાં પત્નીને 8 થી 10 મહીના પહેલા અવસાન થયુ હતુ. પુત્ર સંજયસિંહ હાલ માતા - પિતાથી અલગ રહે છે. તેમને સંતાનમા એક પુત્ર અને બે દિકરી છે. જેમા એક પુત્ર તેમજ મોટી દિકરી ધૃપતબા સાથે રહે છે. અને એક નાની દિકરી સંજયસિંહ સાથે રહે છે. ગઇ તા 21 નાં રોજ સંજયસિંહે રાતનાં પોણા આઠેક વાગ્યે ધૃપતબા સાથે બોલાચાલી કરી અને બળજબરીથી ગાડીમા બેસાડી જઇ પડધરી બાજુ લઇ જઇ ત્યા ઉતારી દીધા હતા જે મામલે યુનિવર્સીટી પોલીસ મથકમા ફરીયાદ નોંધવામા આવી હતી અને સંજયસિંહની ધરપકડ થઇ હતી.
ત્યારબાદ તા. 23 ના રોજ સાંજના સાતેક વાગ્યે દિકરા સંજયસિંહનો ફોન આવ્યો હતો અને કહયુ હતુ કે મને મારા સંતાનો આપી દો. મારે ફઇબાનાં ઘરે મુકવા જવાના છે. અને જાનથી મારી નાખવાની ધમકી આપતા ધૃપતબાએ ફોન કાપી નાખ્યો હતો. ત્યારબાદ ધૃપતબા ડરી જતા પોતાના ઘરે જ ફીનાઇલ પી લઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ તેમને તેમનાં પતિ મોટી ટાંકી ચોકમા આવેલી વેદાંત હોસ્પિટલમા સારવાર માટે લઇ ગયા હતા. હાલ આ અંગેની તપાસ હેડ કોન્સટેબલ મુનાભાઇ ચલાવી રહયા છે .