For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સોમનાથ કોરિડોરના સમર્થનમાં કોડીનારથી પાંચ હજારથી વધુ યુવાનોની નીકળશે પદયાત્રા

11:28 AM Aug 13, 2025 IST | Bhumika
સોમનાથ કોરિડોરના સમર્થનમાં કોડીનારથી પાંચ હજારથી વધુ યુવાનોની નીકળશે પદયાત્રા

સોમનાથ મંદિર કોરિડોર મામલે ભાજપના પૂર્વ સાંસદ દીનું સોલંકીએ મોટું નિવેદન આપ્યું છે. સોમનાથ મહાદેવને શીશ ઝૂકાવવા પહોંચેલા કોડીનારના અગ્રણી અને ભાજપના પૂર્વ સાંસદ દીનું સોલંકીએ મીડિયા સાથેની વાતચીતમાં કોરિડોરનો વિરોધ કરનારા લોકો પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. તેમણે તો ત્યાં સુધી કહી દીધું હતું કે, કોરિડોર અને પ્રોજેક્ટનો વિરોધ કરનાર આધુનિક ગઝનવી છે. સાથે જ એવું એલાન કર્યુ હતું કે પ્રોજેક્ટના સમર્થનમાં તેઓ 5 હજાર યુવાઓ સાથે કોડિનારથી સોમનાથની પદયાત્રા કરશે.

Advertisement

મીડિયા સાથેની વાતચીતમાં દીનું સોલંકીએ જણાવ્યું હતું કે, મારા સોમનાથ મહાદેવના પ્રોજેક્ટમાં, કોરિડોરના પ્રોજેક્ટમાં જે કોઈ વચ્ચે આવતા હોય, એમાં ખોટા કામ કરતા હોય. સરકારની યોજનાને કોઈ રોકવાનો પ્રયત્ન કરતું હોય. આ કોણ છે? હવે તો મને એવું લાગે છે કે મારે કેવું નથી પડતું, લોકો વિચારી રહ્યા છે કે આ બધા આધુનિક ગઝનવી. આ લોકોને સમજવા કે નહીં એ લોકો નક્કી કરશે. સોલંકીએ ઉમેર્યુ હતું કે, હું આપને ખુલ્લેઆમ કહું છું કે સોમનાથ માટે સમગ્ર ગુજરાતની પ્રજા સોમનાથ પ્રભાસ ક્ષેત્રની પ્રજા અને આજુબાજુ રહેનારા તમામ જિલ્લાના લોકો બધા જ સોમનાથ મહાદેવના કોરિડોર પ્રોજેક્ટમાં અમે સાથે છીએ. એમાં સૌથી પહેલા નજીકના દિવસોમાં કોડીનાર તાલુકા બંધનું એલાન આપીને સોમનાથના પ્રોજેક્ટના સમર્થનમાં 5 હજાર યુવાનોની અમે પદયાત્રા કોડીનારથી સોમનાથ સુધી યોજવાના છે અને અમે એના સમર્થનમાં ઊભા રહેવાના છે.

અને કોઈપણ એમ સમજતા હોય કે આ સરકાર ના ખૂબ જ સારા અને મહત્વના અને સોમનાથ મહાદેવને ફરીથી સુવર્ણ યુગમાં લઈ જવાના જે પ્રયત્નની વચ્ચે કોઈપણ આવશે ને તો એને અમારો પણ સામનો કરવો પડશે. તેમણે આરોપ લગાવ્યો કે કોરિડોરનો વિરોધ કરનારા લોકો પોતાના અંગત સ્વાર્થ ખાતર આ કામ કરી રહ્યા છે. સોલંકીએ ચેતવણી આપી કે કોરિડોરનો વિરોધ કરનારાઓને અમારો પણ સામનો કરવો પડશે. કોરિડોરના સમર્થનમાં આગામી સમયમાં કોડીનાર શહેર સજ્જડ બંધ પાડવાની જાહેરાત કરી હતી. સાથે જ કોડીનારથી સોમનાથ સુધી 5 હજાર યુવાનોની પદયાત્રા યોજવાની પણ જાહેરાત કરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement