ગુણોત્સવમાં રાજકોટની 800થી વધુ શાળાનું 100 ટકા પરિણામ
શિક્ષણ વિભાગના 25 જેટલા માપદંડમાં તમામ શાળાઓ પાસ: 130 શાળા ગ્રીન ઝોનમાં આવી
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાજકોટ જિલ્લાની કુલ 870 સરકારી પ્રાથમિક શાળાનું ગુણોત્સવનું વર્ષ 2024-25નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લામાં જેમાં ગ્રીન ઝોનમાં 130 શાળા, યલો ઝોનમાં 732 શાળા, રેડ ઝોનમાં 08 અને બ્લેક ઝોનમાં 00 શાળાનો સમાવેશ કરાયો છે. રાજ્ય સરકાર છેલ્લા ઘણા સમયથી સરકારી શાળાઓની ગુણવત્તા સુધારવા માટે ગુણોત્સવ સહિતના કાર્યક્રમો કરવામાં આવે છે.
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા લાંબા સમયથી ગુણોત્સવ યોજવામાં આવે છે. આ મૂલ્યાંકન માટે શિક્ષકોમાંથી પરીક્ષા આપી પસંદગી પામેલા સ્કૂલ ઇન્સ્પેક્ટરો દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન તેમને ફાળવવામાં આવેલી શાળાઓમાં જઇને નક્કી કરેલા માપદંડના આધારે સ્કૂલનું મૂલ્યાંકન કરવામાં આવે છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ અને ભૌતિક સુવિધાઓ બાબતમાં સુધારો આવે તે માટે જુદી જુદી પ્રવૃત્તિ કરવામાં આવે છે, મૂલ્યાંકન અને ચેકિંગ કરવામાં આવે છે. આ ઉપરાંત દરેક શાળાનું પરિણામ સુધરે તે માટે દર વર્ષે ગુણોત્સવનું પણ આયોજન કરવામાં આવે છે.
ગુણોત્સવમાં બાળકોની હાજરી, શિક્ષણની ગુણવત્તા, પરિણામ, સ્કૂલની સ્થિતિ, શિક્ષકો સહિતના મુદ્દાને ધ્યાનમાં રાખીને ગુણ અપાય છે. સ્કૂલોના મેરિટ, ડિસ્ટિંક્શન અને એક્સેલેન્સ સહિતના માપદંડ પણ ચકાસાય છે. અધ્યયન અને અધ્યાપનમાં એકમ કસોટી, સત્રાંત પરીક્ષા 1 અને 2, અધ્યયન માટે અસરકારક વાતાવરણ, અધ્યયન અધ્યાપન પ્રક્રિયાનું મૂલ્યાંકન કરાય છે.
આ ઉપરાંત શાળામાં હાજરી, શાળા સંચાલન અને સલામતીના આધારે મૂલ્યાંકન થાય છે. સહ શૈક્ષણિક પ્રવૃત્તિમાં પ્રાર્થના સભા, યોગ વ્યાયામ અને રમતગમત, ઈતર પ્રવૃત્તિઓ, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગીદારીનો સમાવેશ થાય છે. જ્યારે સંસાધનો અને તેના ઉપયોગમાં શૈક્ષણિક સંસાધનોનો ઉપયોગ, ટેક્નોલોજીનો ઉપયોગ, મધ્યાહ્ન ભોજન યોજના, પાણી, શૌચાલય અને સ્વચ્છતાના આધારે 100% મૂલ્યાંકન થાય છે.