કોડીનારમાં વિઘ્નહર્તા ગણેશજીની 300થી વધુ પ્રતિમાઓનું વાજતે ગાજતે ધામેધૂમે વિસર્જન
શહેરના મુખ્ય માર્ગો પર ડીજે અને નાસીક ઢોલ ના તાલે અને ગુલાલોની છોળો વચ્ચે ‘ગણપતિ બાપા ના મોરિયા’નાદ સાથે શોભાયાત્રા ફરી મૂળ દ્વારકા ખાતે વિસર્જન કરવામાં આવ્યું
મહારાષ્ટ્રની જેમ સમગ્ર ગુજરાતમાં પણ ભવ્યાતી ભવ્ય રીતે ગણેશ ઉત્સવ ઉજવાય રહ્યો છે. ગુજરાતીઓમાં ગણેશોત્સવને લઈને ભાવના અને શ્રધ્ધા વધી રહી છે ત્યારે ગીર સોમનાથના વેરાવળ,કોડીનાર સહિતના શહેરોમાં ગણેશજીની 100 થી વધુ મોટી મૂર્તિ અને 200 જેટલી નાની મૂર્તિની વિવિધ જગ્યાએ ગણેશ ચતુર્થીના દિવસે સ્થાપના કરવામાં આવી હતી. 6 દિવસ આરતી, પૂજા ,ધૂન -ભજન કર્યા બાદ આજે કોડીનાર,વેરાવળ સહિતના શહેરોમાં ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું.
સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના વિવિધ શહેરોમાં અનેક જગ્યાએ સ્થાપિત ગણપતિજીનું આજે સામુહિક રંગે ચંગે વિસર્જન યોજવામાં આવ્યું હતું.તો કોડીનારના તમામ ગણપતિજી જંગલેશ્વર મંદિરે બપોરે 3.00 કલાકે એકઠા થયા હતા.ઢોલ,શરણાઈ બેન્ડ પાર્ટી અને ડીજે ના તાલે વિશાળ શોભા યાત્રા જંગલેશ્વર મહાદેવના મંદિરેથી નીકળી હતી.જે કોડીનાર શહેરના રાજ માર્ગો પર ફરીને પાણી દરવાજે સાંજે 7.00 કલાકે પહોંચી હતી.અબીલ-ગુલાલની છોળો ઉડી હતી.નાના મોટા તમામ ગણેશજીની મૂર્તિનું મૂળદ્વારકા ખાતે સમુદ્રમાં વિસર્જન થયું હતું. કોડીનારમાં યોજાયેલા ગણેશ વિસર્જનમાં 5 થી 6 હજાર જેટલા લોકો જોડાયા હતા.તો ધાર્મિક એકતાના પણ અહીં દર્શન થયા હતા.કોડીનાર પોલીસ દ્વારા ચુસ્ત અને સંયમિત બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો.તો સમગ્ર શોભાયાત્રા દરમ્યાન નાગરિકોએ પણ સુલેહ શાંતિ જાળવી ભવ્ય રીતે ગણેશ વિસર્જન ઉત્સવ ઉજવ્યો હતો.