લાખાબાવળ ગામમાં 3પથી વધુ ઘેટાં-બકરાંનાં મોત
પ્રાણીના ડરથી મૃત્યુ થયાની શંકા : ફોરેસ્ટ-પશુ નિષ્ણાંત અને પોલીસની ટીમો દોડી આવી
જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાં સીમ વિસ્તારમાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા બુધાભાઈ ભુરાભાઈ રબારી નામના માલધારી કે જેઓના વાડામાં 50 જેટલા ઘેટા બકરા રાખવામાં આવ્યા હતા, જ્યાં ગઈકાલે રાત્રે દોઢેક વાગ્યાના અરસામાં કોઈ જંગલી પ્રાણી આવી જતાં ડરના માર્યા 35 થી વધુ ઘેટા બકરાના મોત થયા ના અહેવાલ મળ્યા છે. જેથી ભારે અરેરાટી પ્રસરી છે.માલધારી બુધાભાઈ રબારી દ્વારા પોલીસને જાણ કરાતાં પંચકોશી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ત્યારબાદ ફોરેસ્ટ વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી, અને ઘેટા બકરાના મૃત્યુનું કારણ જાણવા માટે વેટરનરી તબીબો ની ટીમની પણ મદદ લેવામાં આવી હતી.
આથી જામનગર જિલ્લાના વેટરર્નરી ડોક્ટર તેજસ શુકલા ના માર્ગદર્શન હેઠળ એક ટુકડી બનાવના સ્થળે પહોંચી ગઈ હતી, અને પશુઓના મૃત્યુનું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.ફોરેસ્ટ વિભાગ ના જણાવ્યા અનુસાર ઝખર અથવા તો તેવું કોઈ પ્રાણી અચાનક આવી જતાં ઘેટાં બકરાઓના ભયના માર્યા મૃત્યુ થયા હોવાનું અનુમાન લગાવાયું છે. જે સમગ્ર મામલાની તપાસ ચલાવી રહી છે.વાડામાં રાખવામાં આવેલા 40 જેટલા ઘેટાં બકરામાંથી માત્ર ત્રણથી ચાર જેટલા બકરા બચ્યા છે, અને તેની પણ હાલત ગંભીર ગણાવાઈ રહી છે, અને ચિચિયારી પાડી રહ્યા છે.