અંબાજીના મહામેળામાં પ્રથમ દિવસે જ 3.35 લાખથી વધુ ભાવિકો ઉમટ્યા
એક દિવસમાં 140થી વધુ ધ્વજા મંદિરના શિખરે ચઢાવાઇ, અંબાજી ધામમાં બોલ મારી અંબે, જય જય અંબેનો ગુંજતો નાદ
બોલ મારી અંબે, જય જય અંબે... ના નાદ સાથે અંબાજી ધામમાં ભાદરવી પૂનમ મહાકુંભનો પ્રારંભ થઈ ચૂક્યો છે. કલેક્ટર મિહિર પટેલ સહિતના મહાનુભાવો દ્વારા દાંતા પાસે માતાજીનો રથ ખેંચીને આ ભવ્ય મેળાનો શુભારંભ કરાયો હતો. પ્રથમ દિવસે જ 3.71 લાખથી વધુ ભક્તોએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આસ્થાના આ મહાપર્વમાં ભક્તોને 3.35 લાખથી વધુ પ્રસાદના પેકેટ આપવામાં આવ્યા હતા અને ભંડારા સહિત કુલ 29.44 લાખથી વધુની આવક થઈ હતી 140થી વધુ ધજાઓ ચઢાવવામા આવી હતી
અંબાજીમાં પ્રવેશતાની સાથે જ ચારે તરફ માનવ મહેરામણ જોવા મળી રહ્યું છે.
યાત્રિકોની સુવિધા માટે ખાનગી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને એસટી બસ સ્ટેન્ડ પણ યાત્રાધામની બહાર ખસેડવામાં આવ્યું છે. આ વ્યવસ્થાને કારણે ભક્તો સરળતાથી મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છે. દર્શન પથ પરના પ્રવેશ દ્વારથી લગભગ 700 મીટરના અંતરે સુખરૂૂપ દર્શન થઈ રહ્યા છે. દર્શન કરીને બહાર નીકળવા માટે મંદિરના ગેટ નંબર 7 નજીકનો ગામ તરફનો દ્વાર ખુલ્લો મુકાતા ભક્તો ત્વરિત બહાર નીકળી રહ્યા છે, જેથી ગામનું બજાર પણ યાત્રિકોથી ઉભરાઈ રહ્યું છે. દૂરથી 103 ફૂટ ઊંચું મંદિર શિખર અને 200 ફૂટ ઊંચું ગબ્બર શક્તિપીઠ નિહાળી ભક્તો ભાવવિભોર બની જાય છે. મા અંબાના દર્શન કર્યા બાદ ભક્તો ગબ્બર શક્તિપીઠ પરની અખંડ જ્યોતના દર્શન કરવાનું ચૂકતા નથી, જેના કારણે ગબ્બરનો માર્ગ અને તળેટી પણ શ્રદ્ધાળુઓથી ભરાયેલા છે. મેળા દરમિયાન બાળકો ખોવાઈ ન જાય તે માટે વિશેષ બાળ સહાયતા કેન્દ્ર નો પ્રારંભ કરવામાં આવ્યો છે.
કામાક્ષી મંદિર સામે, રાવણ ટેકરી, દાંતા અને મુખ્ય કંટ્રોલ પોઈન્ટ, અંબાજી ખાતેથી બાળકોને એક આઈકાર્ડ પહેરાવવામાં આવે છે. આ આઈકાર્ડમાં બાળકનું નામ, સરનામું, વાલીનું નામ અને મોબાઈલ નંબર જેવી વિગતો હોય છે. કોઈ બાળક ખોવાઈ જાય તો તેને મુખ્ય કંટ્રોલ પોઈન્ટ ખાતેના બાળ સહાયતા કેન્દ્ર પર સુરક્ષિત રીતે રાખવામાં આવે છે. અહીં ફીડિંગ રૂૂમ, ઘોડિયાઘર અને રમકડાંઘરની પણ સુવિધા ઉપલબ્ધ છે, જેથી બાળકોને કોઈ અગવડ ન પડે.
યાત્રિકો માટે વિનામૂલ્યે ચાર ભોજનાલયોમાં સાત્વિક ભોજન
આસ્થા તમારી, વ્યવસ્થા અમારી ના મંત્ર સાથે અંબાજી ભાદરવી પૂનમ મહા મેળામાં પદયાત્રીઓને વિનામૂલ્ય ભોજન વ્યવસ્થા પૂરી પાડવા માટે મંદિર ટ્રસ્ટ અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે સુંદર આયોજન કરાયું છે. ચાર ભોજનાલયોમા પદયાત્રીઓને શુદ્ધ અને સાત્વિક ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે. એક ભોજનાલયમાં એક દિવસમાં 20થી 25 હજાર જેટલા માઈભક્તોને પ્રેમથી ભોજન કરાવવામાં આવી રહ્યું છે. ભોજનમાં દાળ ભાત શાક રોટલી સહિત ફરસાણ તેમજ રાત્રીના ભોજનમાં કડી ખીચડી ભાખરી શાક અને ફરસાણ તેમજ મીઠાઈ આપવામાં આવે છે કોઈ પણ નાત જાતના ભેદ વિના સૌને એક સમાન માઈ ભક્ત માની સ્વજનની જેમ પ્રેમ થી ભોજન કરવામાં આવી રહ્યું છે.
1200 બેડ સહિતના ચાર વોટરપ્રૂફ ડોમની સુવિધા
આ વર્ષે તંત્ર દ્વારા ચાર વોટરપ્રૂફ ડોમ ઊભા કરવામાં આવ્યા છે યાત્રાળુઓ માટે આ ડોમ ખરા અર્થમાં એક આશ્રયસ્થાન બન્યા છે. દરેક ડોમમાં લગભગ 1200 બેડની વ્યવસ્થા છે, જે પદયાત્રીઓને લાંબા પ્રવાસ પછી આરામ કરવા માટે ઉત્તમ સ્થળ પૂરું પાડે છે. અહીં માત્ર આરામ જ નહીં, પરંતુ અનેક આધુનિક સુવિધાઓ જેવી કે શૌચાલય , પીવાનુ પાણી મેડિકલ સુવિધા ઉપલબ્ધ છે ડોમની સુવિધા દાંતાથી અંબાજી આવતા માર્ગ પર પાન્છા ખોડીયાર-બ્રહ્માણી માર્બલ અને વીર મહારાજ વચ્ચે , હડાદથી અંબાજી આવતા માર્ગ પર કામાક્ષી મંદિર સામે , જૂની કોલેજ ખાતેની ખુલ્લી જગ્યા , માંગલ્ય વનની પાછળ આવેલી છે.