મતદાર યાદીમાંથી 250થી વધુ ડુપ્લિકેટ નામો રદ કરાયા
શંકાસ્પદ ચૂંટણીકાર્ડ શોધવા તપાસ
રાજકોટ શહેર અને જિલ્લાના વહીવટી તંત્રએ ડુપ્લીકેટ ચૂંટણી કાર્ડ ધરાવતા લોકો સામે સખત પગલાં ભર્યા છે. વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ કાર્યવાહીના પરિણામે શહેર અને જિલ્લાની મતદાર યાદીમાંથી આશરે 250 થી 300 જેટલા લોકોના નામ દૂર કરવામાં આવ્યા છે.
તાજેતરમાં જ રાજ્ય ચૂંટણી પંચે વિવિધ શહેરોમાં શંકાસ્પદ ચૂંટણી કાર્ડ અંગે તપાસ હાથ ધરવા માટે આદેશ જાહેર કર્યો હતો. આ આદેશના અનુસંધાનમાં રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર પણ તાત્કાલિક ધોરણે કાર્યરત થયું હતું. તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી સઘન તપાસના પરિણામે માત્ર 15 દિવસના ટૂંકા સમયગાળામાં જ આટલી મોટી સંખ્યામાં ડુપ્લીકેટ ચૂંટણી કાર્ડ શોધી કાઢવામાં સફળતા મળી છે.ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેર-જિલ્લામાં મતદાર યાદીમાં ડબલ નામો અને ડુપ્લીકેટ ચૂંટણીકાર્ડનો મુદો વિવાદસ્પદ રહ્યો છે.