સોમનાથના કાર્તિકી પૂર્ણિમા મેળામાં ચોથા દિવસે 2.50 લાખથી વધુ સહેલાણીઓ ઉમટ્યા
શ્રી સોમનાથ ટ્રસ્ટ આયોજિત પરંપરાગત કાર્તિકી પૂર્ણિમા મેળો તેના સમાપન તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે મેળાના ચોથા દિવસે રવિવારની રજા હોવાથી જનમેદની ઉમટી પડી હતી. આજે એક જ દિવસમાં 2.50 લાખથી વધુ લોકોએ મેળાની મુલાકાત લઈ મેળાની રોનકમાં વધારો કર્યો હતો. મેળામાં સતત વધી રહેલી ભીડને કારણે ચોથા દિવસે પણ દરેક પ્રકારના વેપારમાં તંદુરસ્ત વધારો નોંધાયો હતો.
મેળાનું સૌથી મોટું આકર્ષણ ગણાતા રાત્રિ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગઈકાલે સુપ્રસિદ્ધ લોકગાયિકા સાંત્વની ત્રિવેદી અને લોક સાહિત્યના જાણકાર બહાદુરભાઈ ગઢવી એ જમાવટ કરી હતી. કલાકારોએ પોતાના બુલંદ અવાજે સૌરાષ્ટ્ર અને સોમનાથના ગૌરવવંતા ઇતિહાસનું વર્ણન કરવાની સાથે સુમધુર ભજનો, લોકગીતો અને ભક્તિગીતો રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.આમ, વિવિધ રુચિકર મનોરંજન અને ધાર્મિક મહત્વને કારણે કાર્તિકી પૂર્ણિમા મેળો 2025 મુલાકાતીઓ માટે એક યાદગાર અનુભવ બની રહ્યો છે.